મધ્ય રેલવેનાં છ સ્ટેશનો પર રહેશે 784 સીસીટીવીની નજર
અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8: પશ્ર્ચિમ રેલવેનાં સ્ટેશનોની જેમ હવે મધ્ય રેલવેનાં સ્ટેશનો પર પણ ટૂંક સમયમાં અત્યાધુનિક સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવશે. સીએસટી, દાદર, કુર્લા, કુર્લા ટર્મિનસ, થાણે અને કલ્યાણ એમ કુલ છ પ્રમુખ સ્ટેશનો પર 784 સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવશે. આશરે પચ્ચીસ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનારા આ કાર્ય માટેનું સર્વેક્ષણ હાથ ધરાયું છે.

રેલવેસ્ટેશન પર થયેલા શ્રેણીબંધ બૉમ્બવિસ્ફોટ બાદ સ્ટેશનોની સુરક્ષાનો મુદ્દો ધ્યાનમાં આવ્યો હતો અને તેથી પ્રમુખ સ્ટેશનો પર ઇન્ટિગ્રેટેડ સિક્યોરિટી સિસ્ટમ (આયએસએસ) કાર્યાન્વિત કરવા અંગે વિચારણા રજૂ કરવામાં આવી હતી. હવે આ યોજના વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરશે. આ યોજના અંતર્ગત સ્ટેશન બિલ્ડિંગ તેમજ રેલવે યાર્ડમાં પણ સીસીટીવી બેસાડવામાં આવશે. આ કૅમેરા `રિસર્ચ ડિઝાઇન ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન'ના (આરડીએસઓ) દરજ્જા પ્રમાણેના હશે. તેમ જ આ કૅમેરા ડિજિટલ હોવાથી ઉત્તમ ક્લિપિંગ પણ પ્રાપ્ત થશે.