દૂધના ભાવમાં તોળાતો વધારો
મુંબઈ, તા. 8: રાજ્યમાં દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાતાં પાણી અને ચારાની અછતને કારણે રાજ્યના દૂધ ઉત્પાદન પર પણ અવળી અસર પડી છે. સૂત્રોના જણાવ્યાનુસાર અત્યારે દૂધ ઉત્પાદનમાં 10 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે અને જો આવીજ પરિસ્થિતિ રહી તો આ પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે. વધુમાં ઘાસચારાના ભાવમાં વધારો થતાં દૂધના ભાવ વધશે એવું હાલ જણાઇ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં રોજ એક કરોડ લિટર દૂધ એકઠું થાય છે. જે પૈકી 40 લાખ લિટર દૂધ કો-ઓપરેટિવ અને બાકીનું દૂધ સરકારી ડેરીઓ તેમજ ખાનગી સેકટરમાંથી મેળવે છે. ઔદ્યોગિક અંદાજ અનુસાર મુંબઈમાં દૂધની રોજિંદી માગ પંચાવન લાખ લિટર છે. જે પૈકી ઑર્ગેનાઇઝ્ડ સેક્ટર 36 લાખ લિટર દૂધ પૂરું પાડે છે. મહારાષ્ટ્રનો પશ્ર્ચિમ પ્રદેશ જે દૂધ ઉત્પાદનમાં મોખરે છે, ત્યાં દુકાળને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે. પશુપાલન અને ડેરી વિકાસપ્રધાન મધુકરરાવ ચૌહાણે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યના કેટલાક વિસ્તારમાં દૂધ ઉત્પાદન પર વિપરીત અસર થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દરેક પશુને ચારો મળી રહે તે માટે પ્રયત્નશીલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં ઘાસચારાના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. હાલ મહારાષ્ટ્ર ઘાસચારાની 38 ટકા અછત હેઠળ છે.