રામલીલા મેદાનમાં આજથી રામદેવની રમઝટ
નવી દિલ્હી, તા. 9: અહીંના રામલીલા મેદાનમાં પોલીસે અર્ધી રાતે સપાટો બોલાવી સેંકડો અનુયાયીઓ સાથે જેમને, હિંસકતાભરી અને વિખવાદી બનેલી ધોંસ બોલાવીને હાંકી કાઢયાના 14 માસ બાદ ફરી બાબા રામદેવ, ભારતીયોએ વિદેશોમાં સંઘરેલું અબજોનું કાળું ધન પરત લાવવાની માગણી સાથે બેમુદતી વિરોધનો એક ઓર દોર શરૂ કરનાર છે. વિરોધના આ બીજા દોરમાં રામદેવે તેમનો એજન્ડા વિસ્તાર્યો છે : કાળા નાણાંના મુદ્દાથી આગળ વધી લોકપાલ ખરડા, સીબીઆઇને સ્વતંત્ર એજન્સી બનાવાય અને ચૂંટણી કમિશ્નરો, સીએજી, સીવીસી અને સીબીઆઇના ડિરેકટરની નિમદ્ંકોમાંની પ્રોસીજર પારદર્શક બનાવાય વ. મુદ્દાઓ, તેમના આંદોલનના આ બીજા દોરના એજન્ડામાં રહેશે.

ગયા વર્ષે ચોથી જુને રામલીલા મેદાનમાં આદરેલા આંદોલન વેળા રામદેવે, તેઓ સંમત થયા'તા તે ધોરણોનો ભંગ કર્યાના દાવા સાથે પોલીસ સત્તાવાળાઓએ બે જ દિવસ બાદ, તા. છઠ્ઠી જૂનની મધરાતે ધોંસ બોલાવી રામદેવ અને તેમના અનુયાયીઓને દૂર કર્યા હતા. પોલીસની નજરથી બચવા  મહિલાનાં વસ્રો ધારણ કરી નાસવાના બાબાના પ્રયાસને પોલીસે નાકામિયાબ બનાવ્યો હતો.  અણ્ણા હઝારેએ તેમના અનશન પાછા ખેંચી લઇ ટીમ અણ્ણા જ વિખેરી નાખી રાજકીય માધ્યમ અપ્નાવવાનો રાહ લેવા નિર્ણય કર્યાના બીજા સપ્તાહે બાબાનો આ બીજો દોર આવી રહ્યો હોઇ સૌની તેના પર મીટ મંડાયેલી છે. બાબા રામદેવે જણાવ્યું છે કે તેમનો કોઇ રાજકીય એજન્ડા નથી અને જો કાળા નાણાં, લોકપાલ ખરડા, ઉકત નિમદ્ંકોની પ્રોસીજર તથા સીબીઆઇને સ્વતંત્ર બનાવવાની તેમની માગણી સાથે  સરકાર સંમત ન થાય તો વિરોધના બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવશે.