સંસદમાં અડવાણી- સોનિયા સામસામે
આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 9: આસામમાં વંશીય અથડામણો રોકવામાં સરકારની નિષ્ફળતા સામે પોતાનો રોષ વ્યક્ત કરવા આસામ ગણ પરિષદ (એજીપી)ના ધારાસભ્યોએ ગઈકાલે  અત્રે સંસદભવનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે જંતરમંતર ખાતે મુસ્લિમ સંગઠનો, ભાજપ અને બોડોએ અલગઅલગ બેસીને ધરણાં કર્યાં હતાં, જ્યારે બીજી તરફ સંસદમાં પણ આસામ મુદ્દે ભાજપ્ના નેતા અડવાણી અને કૉંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી સામસામે આવી ગયાં હતાં. આસામમાં જંગલરાજ, હાય સોનિયા, હાય મનમોહન જેવાં બૅનરો સાથે જંતરમંતર પર મુસ્લિમ સંગઠનોએ વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. આમ આસામ મુદ્દે દિલ્હી વિરોધ પ્રદર્શનોનું થિયેટર બની ગયું હતું. એજીપીના ધારાસભ્ય બિરેન્દ્રપ્રસાદ વૈશ્યે જણાવ્યું હતું કે આસામમાં હિંસા રોકવામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બન્ને નિષ્ફળ ગઈ છે. આસામમાં અત્યાર સુધીમાં વંશીય અથડામણોમાં 70 જણ માર્યા ગયા છે અને ચાર લાખ લોકો ઘરબારવિહોણા થઈ ગયા છે તથા 200 જેટલી નિરાશ્રિત છાવણીઓમાં વસવાટ કરી રહ્યા છે. વર્તમાન યુપીએ સરકારની કાયદેસરતાને પડકારતું નિવેદન કરીને ભાજપ્ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ લોકસભામાં તોફાન સર્જ્યું  હતું. આસામમાં વંશમૂલક હિંસાના મુદ્દે બોલતા અડવાણીએ આ મુદ્દેથી ઓચિંતા ખસીને પ્રથમ તેમના  બ્લોગનો અને ત્યાર બાદ યુપીએ દ્વિતીય સરકારને `ગેરકાયદે' ઓળખાવીને દરેકને આશ્ર્ચર્યનો આંચકો આપ્યો હતો, પરંતુ કૉંગ્રેસ તરફથી જોરદાર વિરોધને પગલે નિવેદનને પાછું ખેંચી લીધું હતું.