બધાં રાજ્યો રિટેલમાં એફડીઆઈને ટેકો આપતાં હોવાનો દાવો પોકળ
નવી દિલ્હી, તા. 9: મલ્ટિ બ્રાન્ડ રિટેલ ક્ષેત્રે સીધાં વિદેશી રોકાણ (એફડીઆઈ) ખુલ્લુ મૂકવા સર્વસંમતિ સાધ્યાનો કેન્દ્રનો દાવો પોકળ ઠર્યો છે, કારણકે બહુધાં રાજ્યો આ દરખાસ્ત સામે સંમત જણાતાં નથી. વાસ્તવમાં ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશન (ડીઆઈપીપી)એ બધી રાજ્ય સરકારોને મળી મોેકલ્યાને બે મહિના થઈ ગયા છે ત્યારે માત્ર એક રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોએ જાહેરમાં તેનો ટેકો આપ્યોછે.

દિલ્હી, મણિપુર અને દમણ, દીવ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ એફડીઆઈની આ દરખાસ્તને ટેકો આપ્યો છે એમ વેપાર તથા ઉદ્યોગ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભાને એક પશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું હતું. જોકે, આ પ્રધાને કયાં રાજ્યોએ ટેકો આપવાની ના કહી છે તેનાં નામ આપ્યાં નહોતાં.

જ્યારે વેપાર-ઉદ્યોગ ખાતાના પ્રધાન આનંદ શર્માએ કેટલાંક મોટાં રાજ્યો સહિતના હરિયાણા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને આસામ કે જ્યાં કૉંગ્રેસની અથવા તેની અને સહયોગી પક્ષો સાથેની સરકાર રાજ કરે છે તે રાજ્યો આ દરખાસ્તની તરફેણમાં હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. તેનું હાલનું ચિત્ર અત્યંત વિપરીત જણાયું છે. જોકે, આસામ, હરિયાણાની સરકારે આ ક્ષેત્ર ખૂલ્લું મૂકવાના વલણ સાથે જાહેર સંમતિ દાખવી હતી, પણ તે રાજ્યોએ હજી લેખિત સંમતિ ન આપતાં કેન્દ્રની સ્થિતિ કફોડી બનીછે.

મલ્ટિ બ્રાન્ડ રિટેલ ક્ષેત્રે એફડીઆઈની છૂટ થકી વેપારી વર્ગને નુકસાન નહીં થાય ઊલટાના તેઓને સહાયભૂત બની રહેશે એવી દલીલ થઈ રહીછે.

આસામના મુખ્ય પ્રધાન તરુણ ગોગાઈના મતે એફડીઆઈની છૂટ  થકી કૃષિ ક્ષેત્રને લાભજ થશે. આમ તો શરૂઆતમાં વિદેશી કંપ્નીઓ પેપ્સી અને કેલોગ્સનો વિરોધ થયો હતો, પણ હવે બધું સમૂસૂતરું પાર પડી ગયુંછે.

આજે નવી મુંબઈમાં દેખાવ

દરમિયાન, રિટેલ ક્ષેત્રે એફડીઆઈનો વિરોધ કરવા આજે નવી મુંબઈના વેપારીઓ દેખાવ યોજી રહ્યા છે.

આ આંદોલનમાં મોટી સંખ્યામાં હાજર રહેવા વેપારીવર્ગને નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના ઉપાધ્યક્ષ તથા કૉન્ફેડરેશનના મહારાષ્ટ્ર પ્રદેશના અધ્યક્ષ કીર્તિભાઈ રાણાએ એક યાદીમાં જણાવ્યું હતું કે `એફડીઆઈ ભારત છોડોનો' નાદ ગૂંજશે.