ઔરંગાબાદ-હૈદરાબાદ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ

કર્ણાટક, તા. 21 : કર્ણાટકમાં ઔરંગાબાદ-હૈદરાબાદ પેસેન્જર ટ્રેન ખાલગાપુર અને ભાલકી સ્ટેશન નજીક આજે પાટા પરથી ઊતરી ગઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. ટ્રેન ક્યા સંજોગોમાં પાટા પરથી ઊતરી તે અંગેની તપાસ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

  દુર્ઘટનામાં ઍન્જિન સહિત ટ્રેનના 3 કોચ પાટા પરથી ઊતર્યા છે. મુસાફરોને હૈદરાબાદ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય રેલવેના સિનિયર અૉફિસરો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાની માહિતી મેળવી રહી છે. તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  ટ્રેનના ડબ્બા પાટા પરથી ઊતરી ગયા બાદ રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે રાજ્યરાણી એક્સપ્રેસ (22454)ના 8 ડબા રામપુરના કોસીપુલ પાસે પાટા પરથી ઊતરી ગયા હતા. ટ્રેન મેરઠથી લખનઊ જઇ રહી હતી. આ અકસ્માતમાં ફક્ત 2 લોકો ઘાયલ થયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer