સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો

મિડ કૅપ- સ્મૉલ કૅપ શૅર્સમાં લાવ લાવ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : શૅરબજારમાં સતત બીજા દિવસે ઉત્સાહી વાતાવરણ વચ્ચે સંગીન સુધારો થવાથી સેન્સેક્સ-નિફ્ટી બે મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્રકાર પરિષદ અગાઉ સકારાત્મક પ્રાથમિક અંદાજથી સેન્સેક્સ આજે 27,000ની સપાટી વટાવી હતી. બીએસઈ સેન્સેક્સ 241 પોઇન્ટ વધીને 27,140 બંધ હતો. નિફ્ટી 92 પોઇન્ટ વધી 8381 અંક ઉપર બંધ રહ્યો હતો. બીએસઈ મિડ કૅપ અને સ્મૉલ કૅપ અનુક્રમે 1.4 ટકા અને 0.9 ટકા ના વધારા સાથે બંધ રહ્યા હતા. આગામી 2017-18ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકાર માળખાકીય ખર્ચ વધારશે એવા અહેવાલથી રોકાણકારો ઉત્સાહી જણાયા હતા. જેથી આજે માર્કેટ બ્રિધ મદશ્અંશે સુધારવાના લીધે બીએસઈ ખાતે 17.27 શૅર સુધારા સામે 1,079 શૅર ઘટયાં હતા.

જોકે, યુરોપિયન બજારમાં આજે મિશ્ર વલણ હતું. સ્ટોક્સ 600 અને સીએસી 40 0.1 ટકા ઘટાડે હતા જ્યારે એફટીએસઈ 100 0.2 ટકા સુધર્યો હતો. ટ્રમ્પની પત્રકાર પરિષદ અગાઉ એશિયન બજારમાં એમએસસીઆઈ ઇન્ડેક્સ જપાન બહાર 0.5 ટકા વધ્યો હતો જ્યારે ત્રણ દિવસ ઘટયા પછી નિક્કી 0.3 ટકા વધ્યો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝીટ 0.8 ટકા ઘટવા સામે હૉંગકૉંગ હેંગસેંગ 0.8 ટકા ઘટયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સમગ્ર રીતે સાવધાનીનો સૂર હતો.

શૅરબજારના સંગીત સુધારામાં મુખ્યત્વે નિફ્ટી મેટલ અને એસઍન્ડપી બીએસઈ મેટલ વર્ષની શૅરો હતા. ચીનના મુખ્ય લોખંડ ઉત્પાદક પ્રાંત દ્વારા સ્ટીલ ઉત્પાદન ઘટાડવાના સંકેતથી શૅર્સના ભાવ વધ્યા હતા. તો બૅન્કિંગ ક્ષેત્રમાં ઘણા દિવસો પછી મોટો સુધારો થયો હતો.

આજના સુધારા બાબતે રેલીગેર સિક્યુરિટીસના રિટેલ વિભાગના પ્રમુખ જયંત માંગલિકે સલાહ આપતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સામે સ્થાનિકમાં શરૂ થનાર કંપની પરિણામની અસર ધ્યાને લઈને રોકાણકારોએ સાવધાનીપૂર્વક પોઝીશન લેવી જોઈએ.

આઈટી અગ્રણી કંપનીઓ ટીસીએસ અને ઇન્ફોસીસના પરિણામ હોવાથી બંને શૅરના ભાવ મોટેભાગે સ્થિર હતા. અન્ય સેકટર્સમાં બીએસઈ મેલ ઇન્ડેક્સના 4.4 ટકાના વધારામાં જીંદાલ સ્ટીલ સૌથી મોટો હિસ્સો 9.2 ટકા નોંધપાત્ર ગણી શકાય. હિન્દાલ્કો 6.4 ટકા સેઇલ 6.3 ટકા, નાલ્કો 6 ટકા અને કોલ ઇન્ડિયામાં 5.6 ટકાનો વધારો નોંધાયો હતો. બૅન્કિંગ ક્ષેત્રમાં મુખ્ય ઇન્ડસ્ઇન્ડ બૅન્કનો ચોખ્ખો નફો 27 ટકા વધતાં શૅર્સનો ભાવ 6.3 ટકા સુધરી ગયો હતો.

ટાયર ઉત્પાદક કંપની એમઆરએફનો ભાવ ઇન્ટ્રાડેમાં વિક્રમી રૂા. 55,000ના સ્તરને પાર કરીને રૂા. 55,400 ક્વોટ થયો હતો. આ શૅર તાજેતરના તળિયાથી 15 ટકા વધ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer