સોનાની તેજી પર ફંડ હાઉસને ભરોસો નથી : ભાવ વધતાં વેચવાલીનું જોર
મુંબઈ, તા. 11 : અમેરિકી ડૉલર ઘટવાથી સોનાના ભાવમાં વધારો આવ્યો છે. તેના પર ફંડ હાઉસોને ભરોસો નથી. ભાવ વધવાથી ફંડ હાઉસો પોતાની પાસે રહેલા સોનાનું વેચાણ કરી રહ્યા છે, એટલે લાંબા ગાળે સોનાના ભાવ ઘટવાની સંભાવના છે. હાલ વિદેશી બજારમાં સોનાના ભાવ લગભગ પાંચ સપ્તાહના ઊંચા સ્તરે, પ્રતિ ઔંસ 1187 ડૉલર રહ્યા છે.

વિદેશી બજારમાં આજે થયેલા વધારાથી અસર સ્થાનિક બજાર પર થઈ અને ભાવ પ્રતિ 10 ગ્રામ રૂા. 28,000 થયા છે.

હાલ સોનાના ભાવમાં વધારો થયો છે તે અમેરિકી ડૉલરમાં થયેલા ઘટાડાને આભારી છે.

જોકે, લાંબા ગાળા માટે સોનાના ભાવના ફંડામેન્ટલ મજબૂત જણાતા નથી. જેથી સોનાનું સૌથી મોટું એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસડીપીઆર ગોલ્ડ ટ્રસ્ટ પોતાના સોનાના સંગ્રહમાંથી નિયમિત સોનાનું વેચાણ કરી રહ્યું છે. સોમવારે ભાવમાં આવેલી રિકવરી જોતાં એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટે ફરીથી 8 ટન કરતાં વધુ સોનાનું વેચાણ કર્યું છે.

હવે તેની પાસે માત્ર 805 ટન સોનું બચ્યું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા છે. ત્યારથી એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનામાં લગભગ 15 ટકા હોલ્ડિંગ ઘટયું છે.