અદાણી ગ્રુપ ગુજરાતમાં રૂા.49 હજાર કરોડનું રોકાણ કરશે
લુલુ ગ્રુપ રૂા. 12 હજાર કરોડનું રોકાણ કરશે

ગાંધીનગર,  તા. 11 : આવતાં પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ દ્વારા ગુજરાતમાં રૂા. 49 હજાર કરોડનું રોકાણ કરાશે અને તે દ્વારા સીધા અને પરોક્ષપણે 25 હજાર રોજગાર નિર્માણ થશે, એમ અદાણી જૂથના ચૅરમૅન ગૌતમ અદાણીએ અહીં વાઇબ્રન્ટ સમિટ પ્રસંગે જણાવ્યું હતું.

રૂા. 49 હજાર કરોડ કુલ રોકાણમાંથી રૂા. 16,700 કરોડનું રોકાણ મુન્દ્રા, દહેજ, હઝિરા અને તુનામાં કન્ટેઇનર ટર્મિનલના નિર્માણ માટે થશે. તેમાં હઝિરાને દિલ્હી-મુંબઈ ફ્રેટ કોરિડોર સાથે જોડવા માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત વર્ષ 2021 સુધીમાં અદાણી ગ્રુપ દ્વારા રૂા. 23 હજાર કરોડનું રોકાણ સૌર અને પવન ઊર્જાના નિર્માણ માટે ખર્ચ કરવામાં આવશે.

કૃષિ ક્ષેત્રના વેપાર માટે સમૂહ દ્વારા ક્ષમતા બમણી કરવા માટે રૂા. 1200 કરોડનું

રોકાણ કરવામાં આવશે, એમ અદાણીએ જણાવ્યું હતું.

દરમિયાન લુલુ ગ્રુપે ગુજરાતમાં રૂા. 10થી 12 હજાર કરોડનું રોકાણ કરવાની ઘોષણા કરી છે. ગ્રુપના એમડી યુસુફઅલી-એમ.એ.એ જણાવ્યું હતું કે તેઓ અમદાવાદમાં શોપિંગ મોલ, હોટેલ અને એક્ઝિબિશન સેન્ટર શરૂ કરવાની યોજના ધરાવે છે.