રાની મુખરજી કરશે કમબેક
રાની મુખરજી દિગ્દર્શક સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ સાથે ફિલ્મી પડદે કમબેક કરી રહી છે. રાની છેલ્લે `મર્દાની'માં જોવા મળી હતી અને ત્યારબાદ એ મેટરનિટી બ્રેક પર ગઇ હતી. પુત્રી આદિરા હવે એક વર્ષની થઇ જતાં રાની ફરી એકવાર કેમેરાનો સામનો કરવા તૈયાર થઇ રહી છે. ઇમરાન હાશ્મી અને અભિષેક બચ્ચને અગાઉ આ ફિલ્મ માટે રસ દેખાડયો હતો પરંતુ પછી વાત જામી નહોતી. હવે યશ રાજ ફિલ્મ્સ આ ફિલ્મનું નિર્માણ કરશે એવું જાણવા મળ્યું છે. રસપ્રદ એ છે કે શરૂઆતમાં આ ફિલ્મ હીરો કેન્દ્રિત હતી. આ ફિલ્મની કથા એક પુરુષની આસપાસ ગૂંથાયેલી છે જે એક પ્રકારની અક્ષમતા ધરાવે છે, વાત કરતાં કરતાં જ એ અનિયંત્રિતપણે કૂદવા લાગે છે અને બરાડા પાડવા લાગે છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ યશરાજ ફિલ્મ્સનો સંપર્ક કરતાં આદિત્ય ચોપરા અને રાની મુખરજીને ક્રિપ્ટ ગમી ગઇ હતી અને આદિત્યએ ફિલ્મ પ્રોડયુસ કરવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ તેણે હીરોને બદલે હીરોઇનને કથાનાયક બનાવવાનું કહ્યું. આમ હવે આ ફિલ્મમાં રાનીને પોતાની અક્ષમતા સામે લડતાં અને ત્યારબાદ શાંત-સ્વસ્થ શિક્ષિકામાં પરિવર્તિત થતી દેખાશે. રાનીએ અગાઉ `બ્લેક'માં ચક્ષુહીન અને મૂક-બધિર યુવતીનું પાત્ર ભજવ્યું હતું.