આજે ઇંગ્લૅન્ડ સામે બીજી અભ્યાસ મેચ યુવા રિષભ પંત પર તમામની નજર રહેશે

મુંબઇ, તા.11 : ભારત `એ' અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલ ગુરુવારે અહીં રમાનાર બીજા અભ્યાસ મેચમાં તમામની નજર યુવા આક્રમક બેટધર રિષભ પંત પર રહેશે. જેણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં આ સિઝનમાં જોરદાર ફટકાબાજી કરી છે. તે અન્ડર-19ની વર્લ્ડ કપની ઉપવિજેતા ભારતીય ટીમનો હિસ્સો હતો. આ સિઝનમાં તેણે રણજી ટ્રોફીમાં સૌથી ઝડપી સદીનો વિક્રમ બનાવ્યો છે અને મહારાષ્ટ્ર સામે 42 ચોક્કા અને 9 છક્કાથી ત્રેવડી સદી (308) ફટકારી હતી. તેના આ પ્રદર્શનને લઇને તેની ભારતની ટી-20 ટીમમાં પસંદગી થઇ છે. 

રિષભ પંતને મહેન્દ્રસિંહ ધોનીના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યો છે. દિલ્હીનો આ વિકેટકીપર-બેટસમેન ઇંગ્લેન્ડ સામેના અભ્યાસ વન ડે મેચમાં સારા પ્રદર્શનની તક ચૂકવા માંગતો નથી. પહેલા અભ્યાસ મેચમાં ધોનીના સુકાનીપદ હેઠળની ભારત એ ટીમને ઇંગ્લેન્ડે 3 વિકેટે હાર આપી હતી. આવતીકાલના મેચમાં ધોની ઉપરાંત યુવરાજ, ધવન સહિતના પહેલા મેચના ખેલાડીઓ રમવાના નથી. સુકાની રહાણેએ પણ ઇજામાંથી બહાર આવીને આ મેચમાં સારું પ્રદર્શન કરવું પડશે. ફકત ટી-20ની ટીમમાં સ્થાન મેળવનાર સુરેશ રૈનાના પ્રદર્શન પર પણ પસંદગીકારોની નજર રહેશે. સૌરાષ્ટ્રના શેલ્ડન જેકશનનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે, પણ તેને ઇલેવનમાં સ્થાન મળવું નિશ્ચિત નથી.  બીજી તરફ ઇંગ્લેન્ડ વન ડે શ્રેણીના પહેલાના આખરી અને બીજા અભ્યાસ મેચમાં પણ જીતના વિશ્વાસ સાથે મેદાને પડશે. આ મેચમાં ઇંગ્લેન્ડ ઓલરાઉન્ડર બેન સ્ટોકસ, વિકેટકીપર જોની બેયરસ્ટો અને ઝડપી બોલર લિયામ પ્લેંકેંટને મેદાનમાં ઉતારશે. આ મેચ ડે-નાઇન નથી. આથી સવારે 9-00 વાગ્યાથી શરૂ થશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer