શ્રીલંકા સામે કલીન સ્વીપના ઇરાદે આફ્રિકા મેદાને પડશે
આજથી ત્રીજી ટેસ્ટ: અમલા 100મી ટેસ્ટ રમનારો આફ્રિકાનો આઠમો ખેલાડી બનશે

જોહાનિસબર્ગ તા. 11: દક્ષિણ આફ્રિકાની ટીમ આવતીકાલથી અહીં શરૂ થતાં ત્રીજા ટેસ્ટમાં પણ પ્રવાસી શ્રીલંકાની ટીમ સામે જીત મેળવીને સિરીઝમાં કલીન સ્વીપ કરવાના ઇરાદે મેદાને પડશે. આફ્રિક આ ટેસ્ટ મેચ જીતીને તેના અનુભવી બેટધર અને પૂર્વ સુકાની હાશિમ અમલનાને વિશેષ ભેટ આપવા માંગે છે. હાશિમ અમલા શ્રીલંકા સામે તેનો કુલ 100મો ટેસ્ટ રમવાનો છે. પાછલા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ અમલા તેના હમણા સુધીના સતત સારા પ્રદર્શનને લીધે ટીમમાં ટકી રહયો છે. 

આફ્રિકાની ટીમે પહેલા બન્ને મેચ પર પ્રભુત્વ જમાવીને આસાનીથી જીત મેળવી છે. આથી ત્રીજા ટેસ્ટમાં પણ આફ્રિકાનો જીતનો આ ક્રમ જળવાઇ રહેશે તેવું માનવામાં આવે છે. બીજી તરફ શ્રીલંકાની ટીમ આ શ્રેણીમાં હજુ સુધી છાપ છોડી શકે નથી. મેથ્યૂસ એન્ડ કંપની માટે ત્રીજો મેચ જીતવો કે બચાવવો આસાન નહીં રહે.

 અમલા 100મો ટેસ્ટ રમનારો તેના દેશનો આઠમો ખેલાડી બની જશે. તેના સમકાલીન ડિ'વિલિયર્સ, ગ્રીમ સ્મિથ અને જેક કાલિસ 100 ટેસ્ટ મેચ રમી ચૂકયા છે. અમલાએ અત્યાર સુધીમાં 99 ટેસ્ટ મેચમાં 49.4પની સરેરાશથી કુલ 766પ રન બનાવ્યા છે. જેમાં 2પ સદી છે.