પોલિયેસ્ટર કોટન યાર્નની નિકાસ 21 ટકા ઘટી
મુંબઈ, તા. 11 : બાંગ્લાદેશ અને બ્રાઝિલે ભારતમાંથી સૌથી વધુ પોલીયેસ્ટર કોટન યાર્નની નવેમ્બરમાં આયાત કરી હતી. ત્યાર પછીના નંબરે ઈજીપ્ત હતું. એક યાર્ન નિકાસકારે કહ્યું કે નવેમ્બરમાં કુલ 54 લાખ કિલો પીસી યાર્નની નિકાસ થઇ હતી. જે વર્ષાનું વર્ષ 21.6 ટકાનો ઘટાડો દાખવે છે. જો કે મૂલ્યની દ્રષ્ટીએ નિકાસ 12.6 ટકા ઘટી 146 લાખ ડોલરની થઇ હતી. નિકાસ ઘટવાનું મૂળ કારણ ઊંચા ભાવ અને નોટબંધી પછી કામદારો દેશમાં જતા રહ્યા તેથી ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો તે હતું. 

ભાવ વૃદ્ધિનું કારણ આમ તો ક્રુડ ઓઈલ અને તેની પાછળ પીટીએ અને એમઈજી જેવા ક્રુડ આધારિત ઉત્પાદનોના ભાવમાં વધારો થયો તે પણ ગણાવી શકાય. ઉક્ત ત્રણ દેશોમાં કુલ 31 ટકા નિકાસ થઇ હતી. ભારતીય પીસી યાર્નની માગ લાતીવિયા, ગ્વાટેમાલા, હોન્ડુરસ, બેહરીન જેવા દેશોમાં વેગથી વધી રહી છે. જ્યારે વેનેઝુએલા અને પોલેન્ડની માગમાં ઘટાડો થઇ રહ્યો છે. નવેમ્બરમાં મેક્સિકો, યુએઈ, અલ્જીરિયા અને ઈઝરાયેલે કોઈ આયાત કરી ન હતી. નવેમ્બરમાં જબુટી સહિતના આઠ નવા બજારો ભારતને ઉપલબ્ધ થયા હતા.