નગરપરિષદોમાં ભાજપનો દબદબો

નગરપરિષદોની ચૂંટણીના ચોથા અને અંતિમ તબક્કામાં પણ ભાજપે વર્ચસ્ જાળવી રાખ્યું છે.  બાર પૈકી સાત નગરપરિષદોમાં તેના નગરાધ્યક્ષો ચૂંટાઈ આવ્યા છે. કૉંગ્રેસને બે નગરપરિષદમાં વિજય મળ્યો છે. રામટેકમાં શિવસેનાનો પરાજય થયો છે.  ચોથા તબક્કામાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેના એક પણ નગરપરિષદમાં વિજય મેળવી શક્યા નથી. રામટેકમાં વિધાનસભા ચૂંટણી પછી નગરપરિષદની ચૂંટણીમાં પણ શિવસેનાને પરાજયનો આંચકો લાગ્યો છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ચૂંટણીપ્રચાર માટે ક્યાંય ગયા નહોતા તેથી પક્ષને ફટકો પડયો છે, જ્યારે કૉંગ્રેસ સ્વબળે ચૂંટણી લડતાં તેને ફાયદો થયો છે.

કામઠી નગરપરિષદમાં 32 પૈકી 16 બેઠકો જીતીને કૉંગ્રેસે સત્તા મેળવી છે. ભાજપને આઠ બેઠકથી સંતોષ માનવો પડયો છે. કાટોલમાં ભાજપના વિધાનસભ્ય ડૉ. આશિષ દેશમુખને આંચકો લાગ્યો છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ઍડ્વોકેટ જનરલ શ્રીહરિ અણેના વિદર્ભ માઝા પક્ષે કાટોલમાં 23માંથી 18 બેઠકો જીતી સત્તા મેળવી છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ફાળે એક પણ બેઠક આવી નથી તેથી માજી પ્રધાન અનિલ દેશમુખને આંચકો લાગ્યો છે. નગરખેડમાં નગરવિકાસ આઘાડીએ પૂર્ણ બહુમત મેળવ્યો છે. ઉમરેડમાં કૉંગ્રેસના માજી પ્રધાન રાજેન્દ્ર મૂળકે ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો હતો, પણ તેમને નિરાશા મળી છે. ત્યાં ભાજપે સ્પષ્ટ બહુમત મેળવ્યો છે.

નગરપરિષદની ચૂંટણીના ચારેય તબક્કાનાં એકંદર પરિણામો જોતાં ભાજપ પ્રથમ ક્રમાંકના પક્ષ તરીકે બહાર આવ્યો છે. ભાજપને 191 પૈકી કુલ 78 નગરપરિષદોમાં નગરાધ્યક્ષપદ મળ્યું છે. શિવસેનાના 26 નગરાધ્યક્ષ ચૂંટાઈ આવ્યા છે, તો કૉંગ્રેસના 36 જ્યારે 21 નગરાધ્યક્ષ સાથે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ ચોથા ક્રમાંકે ફેંકાઈ ગઈ છે. કુલ નગરસેવકોની સંખ્યા જોતાં ભાજપના સર્વાધિક નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે. જનમત પરીક્ષણની પ્રથમ કસોટીમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસ થયા છે. આવી ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓનું પ્રભુત્વ હોય તે સ્વાભાવિક છે. નોટબંધી પછી દેશના વિવિધ ભાગોમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપે સારો દેખાવ કર્યો  છે. રાજ્ય સરકારને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે આ ચૂંટણીઓને દેવેન્દ્ર ફડણવીસ સરકારનું જનમત સર્વેક્ષણ માનવામાં આવતું હતું. તેમાં વિજય મેળવીને મુખ્ય પ્રધાને તેમનું સ્થાન વધુ દૃઢ બનાવ્યું છે. હવે મુખ્ય પ્રધાનની પરીક્ષા 10 મહાપાલિકા અને 25 જિલ્લા પરિષદની 16 અને 21 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં થવાની છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer