પાકિસ્તાન પર વર્લ્ડ કપમાં કવોલિફાઇ ન થવાનો ખતરો

આઇસીસી ક્રમાંકમાં ટોચની સાત ટીમમાં બની રહેવા અૉસ્ટ્રેલિયા સામે સારો દેખાવ જરૂરી

દુબઇ, તા.11 : વન ડે ક્રિકેટના ક્રમાંકમાં તળિયાના હિસ્સાની ટીમ પાકિસ્તાન જ્યારે શુક્રવારથી બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ શરૂ થઇ રહેલી પાંચ મેચની શ્રેણી માટે મેદાને પડશે ત્યારે તેની નજર આઇસીસી વર્લ્ડ કપ-2019 માટે સીધા કવોલીફાઇ થવા પર રહેશે. પૂર્વ વિશ્વ વિજેતા પાકિસ્તાન પર હાલ આ વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઇ જવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. પાકે ટીમ હાલ 89 રેટિંગ સાથે આઇસીસી ક્રમાંકમાં 8મા નંબર પર છે. તેનાથી બંગલાદેશના બે રેટિંગ ઓછા છે અને વેસ્ટ ઇન્ડિઝથી બે વધુ છે. 

આઇસીસીના નિયમ અનુસાર યજમાન ઇંગ્લેન્ડ અને 30 સપ્ટેમ્બર 2017 સુધી વન ડે ક્રમાંકની ટોચની સાત ટીમને 2019ના વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે. આથી નીચેના ચાર ક્રમ પર રહેનારી ટીમોએ અન્ય છ ટીમ સાથે કવોલીફાઇ ટૂર્નામેન્ટ રમવી પડશે. જેમાંથી ટોચની બે ટીમ વર્લ્ડ કપ માટે કવોલીફાઇ થશે. પાકિસ્તાને હાલનો ક્રમ જાળવી રાખવા માટે ઓસ્ટ્રેલિયા સામે ઓછામાં ઓછો એક મેચ જીતવો પડશે. વધુ જીતથી ફાયદો થશે. તે બે મેચ જીતશે તો બંગલાદેશ જેટલા 91 રેટિંગ થઇ જશે. અને જો સિરીઝ જીતી જાય તો બંગલાદેશને પાછળ રાખી દેશે અને પાક.ની કવોલીફાઈ થવાની સંભાવના વધી જશે. જો પાક. 4-1થી શ્રેણી જીતે તો ઓસ્ટ્રેલિયાનું નંબર વનનું સ્થાન છીનવાઇ જશે.

બીજી તરફ આઇસીસી ક્રમાંકની ત્રીજા નંબરની ટીમ ભારત 1પ જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થતી ત્રણ મેચની શ્રેણીમાં બીજા નંબરની ટીમ દ. આફ્રિકા અને તેના વચ્ચેનું પોઇન્ટનું અંતર ઓછા કરવાના ઇરાદે મેદાને પડશે. ભારત જો કલીનસ્વીપ કરશે તો તેના 144 પોઇન્ટ થઇ જશે. જો એથી ઉલ્ટું પરિણામ આવે તો ઇંગ્લેન્ડ એક સ્થાનના ફાયદાથી ચોથા નંબર પર આવી જશે અને ભારત પાંચમા નંબર પર ખસી જશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer