નોટબંધી બાદ દુનિયાભરમાં મોદીની મજાક ઊડે છે : રાહુલ
જનવેદના સંમેલનમાં કેન્દ્રની નીતિઓની ઠેકડી ઉડાવીને કહ્યું કૉંગ્રેસના રાજમાં આવશે અચ્છે દિન

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી,તા.11 : નાતાલની રજાઓ ગાળીને સ્વદેશ પરત આવેલા કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે કૉંગ્રેસના જનવેદના સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો અને કટાક્ષો કર્યા હતા. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત આ સંમેલનમાં રાહુલે માત્ર નોટબંધી સંબંધે જ નહીં કેન્દ્ર સરકારની નીતિઓની સાથે મોદી વિરુદ્ધ જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોટી મેદનીને સંબોધતાં રાહુલે ભાજપના અચ્છે દિનના નારાની ઠેકડી ઉડાવતાં કહ્યું હતું કે વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો વિજય થશે ત્યારે જ દેશમાં અચ્છે દિન આવશે. મોદી સરકારના નોટબંધીના નિર્ણયને રાહુલે ભારતના ઇતિહાસનો સૌથી ખરાબ સરકારી નિર્ણય ગણાવીને કહ્યું હતું કે આ નિર્ણય બાદ વિશ્વભરમાં ભારતના વડા પ્રધાનની હાંસી ઉડાવવામાં આવે છે. નોટબંધીના નિર્ણયના કારણે દેશની અર્થવ્યવસ્થા 16 વર્ષ પાછળ ધકેલાઈ ગઈ છે.