સહારા-બિરલા ડાયરી કેસમાં તપાસની માગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

આશરે સાડા ત્રણ કલાક સુધી થઈ સુનાવણી : મોદીના વિરોધીઓને જોરદાર તમાચો

 

નવી  દિલ્હી, તા. 11 (પીટીઆઈ): વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે રાહતરૂપ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે સહારા-બિરલાની ડાયરી મામલે તપાસની માગણી કરતી જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં આશરે સાડા ત્રણ કલાક સુધી સુનાવણી થઈ હતી. પ્રશાંત ભૂષણે આશરે બે કલાક સુધી દલીલો કરીને આ કેસમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ દાખલ થાય તેવી પણ માગણી કરી હતી પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અરૂણ મિશ્રા અને અમિતાવ રોયે અરજીને હાથ ધરવા માટે યોગ્ય જ ગણી નહોતી અને જણાવ્યું હતું કે, ભૂષણ દ્વારા રજૂ કરાયેલા કાગળો તપાસ માટે પૂરતા નથી. નરેન્દ્ર મોદી તેમજ અન્યો વિરુદ્ધ  તપાસ માટે પૂરતા પુરાવા નથી.

સહારા-બિરલા ડાયરી કેસે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું હતું. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહેસાણામાં 21 ડિસેમ્બરે જાહેર સભાને સંબોધતાં આરોપ કર્યો હતો કે  મારી પાસે મોદીના ’વ્યક્તિગત ભ્રષ્ટાચાર’ના પુરાવા છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમને સહારા જૂથ પાસેથી 40 કરોડ અને બિરલા ગ્રુપ પાસેથી 25 કરોડ રૂપિયા મળ્યા હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરાવિંદ કેજરીવાલે રાજ્યની વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને વડાપ્રધાન મોદી પાસેથી જવાબ માંગ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીના વિરોધીઓને જોરદાર તમાચો મારતો ચુકાદો આપ્યો હતો.

આવકવેરા વિભાગના એક દરોડામાં સહારાની કચેરીમાંથી એક ડાયરી મળી હતી જેમાં 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને કથિતપણે રૂપિયા આપવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ હતો. એ ઉપરાંત દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત સહિત ત્રણ અન્ય મુખ્ય પ્રધાનોના પણ તેમાં નામ હતા. આ ડાયરીને લઈને જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી પર પ્રહારો કર્યા હતા.

કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ મુકુલ રોહતગી કોર્ટમાં હાજર રહ્યા હતા અને દાવો કર્યો હતો કે, ગુજરાતના મુખ્ય પ્રધાનને નાણાં ચૂકવવામાં આવ્યા હોવાના કોઈ પુરાવા નથી મળ્યા. જો એક સામાન્ય કાગળને પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે તો દેશમાં કોઈ સલામત નહીં રહે. એક કાગળના ટુકડાના આધારે જજથી માંડીને પટાવાળા અને રાષ્ટ્રપતિ સામે તપાસની માંગ થશે.

મોદી સહિત કેટલાક રાજકારણીઓએ લાંચપેટે

રૂપિયા લીધા હોવાના આરોપ સાથે બિનસરકારી સંસ્થાએ ગયા ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં

જણાવ્યું હતું કે, જો સર્વોચ્ચ અદાલત આ મામલામાં તપાસના આદેશ નહીં આપે તો

બીજી કોઈ તપાસ ન્યાયસંગત રહેશે નહીં.  સુપ્રીમે આ દસ્તાવેજોને શૂન્ય બતાવતાં અરજીકર્તા સંગઠન સીપીઆઈએલને નક્કર સબૂતો રજૂ કરવા જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer