બજેટમાં બેકારી ભથ્થું અપાશે ?
નવી દિલ્હી, તા. 12 : સરકાર સમાજના સૌથી ગરીબ વર્ગમાંની બેકાર વ્યક્તિને વર્ષે રૂા. 5000 કૅશરૂપે નાણાકીય સહાય કરવાની દરખાસ્ત પર આ વર્ષના બજેટમાં વિચારણા કરે એવી શક્યતા છે, પણ આ યોજનાના અમલ માટે સરકારે અન્ન, આરોગ્ય અને ઇંધણ જેવામાં અપાતી સબસિડીઝ માટેના ભંડોળમાંથી ઉપયોગ કરવાનો રહેશે.

બેરોજગારોને અપાતા લાભ યુનિવર્સલ બેઝિક ઇન્કમ રૂપે (યુબીઆઈ) કેટલાક દેશોમાં અપાય છે, પણ ભારત પાસે આ યોજનામાં આગળ વધવા જરૂરી ભંડોળ નથી. આ યુબીઆઈ વાસ્તવમાં સામાજિક સુરક્ષા નીતિનો એક હિસ્સો છે, જેમાં દેશના રહેવાસીઓને

સરકાર અથવા જાહેર સંસ્થાઓ પાસેથી નિયમિતરૂપે અમુક નાણાં મળે છે.

આ ભંડોળ કેવી રીતે ઊભું કરાશે તે અંગેની સ્પષ્ટ નીતિ નથી, પણ હાલ જે સબસિડીઝો અપાઈ રહી તે દૂર કરવામાં આવે તો બેરોજગાર વ્યક્તિને તે ફાળવવાનું શક્ય બની શકે છે.

સરકારનો નીતિઆયોગ જેણે આયોજન પંચની જગ્યા લીધી છે તે બેરોજગાર વ્યક્તિ માટે માસિક સામાજિક સુરક્ષા સ્કીમના મુદ્દાઓ ઘડી રહ્યું છે - વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે. આમ તો જે વ્યક્તિ ગરીબીની રેખા તળે છે તેને લક્ષમાં રાખી નીતિ તૈયાર કરાઈ રહી છે, જેના હેઠળ માસિક રૂા. 416નું સ્ટાઈપન્ડ આપી શકાય, એમ વિચારાઈ રહ્યું છે.

કેરાલા, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને છત્તીસગઢ રાજ્યોમાં બેરોજગાર માટે સમાન પ્રકારની યોજનાઓ ચાલી રહી છે, પણ હવે જે વિચારણા થઈ રહી છે તે કેન્દ્ર માટે તો પ્રથમ જ હશે.

આમ ભંડોળની જોગવાઈ માટે એક તરફ વિચારણા થઈ રહી છે તો બીજી બાજુ ભારતમાં બેરોજગાર વ્યક્તિઓના આંકડા અપૂરતા છે. 2015માં 4800 લાખ મજૂરવર્ગનો આંક જોઈએ તો અવિધિસર ક્ષેત્રે 85 ટકા જેવો ગણાય ત્યારે રોજગાર વગરની વ્યક્તિની બરોબર સંખ્યાનો કયાસ કાઢવો મુશ્કેલ છે.

જોકે, અર્થશાત્રીઓ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતો આ સ્કીમ અંગે મતમતાંતર ધરાવે છે. 2015-’16માં ભારતનું સબસિડી બિલ જીડીપીના એક ટકાથી ઓછું છે, જેનું કારણ ક્રૂડના ઘટતા ભાવ રહ્યું હતું. આમ તો 2017નો આર્થિક સરવે યુબીઆઈ માટે મજબૂત ટેકો આપી રહ્યો છે. કોઈ દેશે યુબીઆઈ અપનાવ્યું નથી. મધ્યપ્રદેશે નાનો અમથો 2011માં પ્રયોગનો પ્રયાસ કરી જોયો પણ તેનો અમલ કરી શક્યું નથી.