`સરકાર-થ્રી'' અમિત સાધ માટે યાદગાર બની રહી
ફિલ્મ `સરકાર રાજ' રજૂ થયાના આઠ વર્ષ બાદ હવે ફરી એકવાર રામ ગોપાલ વર્મા ગોડફાધર શ્રેણીની ત્રીજી ફિલ્મ `સરકાર-થ્રી' લઇને આવ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એંગ્રી ઓલ્ડમેન સુભાષ નાગરેની ભૂમિકા ભજવે છે. ફિલ્મના અન્ય જાણીતા કલાકારોમાં અભિનેતા અમિત સાધનો પણ સમાવેશ થાય છે. અમિત સુભાષના ઉદ્ધત અને ચંચળ મગજના પૌત્ર શિવાજીનું પાત્ર ભજવે છે. બિગ બી અને રામૂ સાથે કામ કરવાનો અનુભવ જીવનભર યાદ રહેશે એમ અમિતે જણાવ્યું હતું. 

અમિતાભ સેટ પર આવીને જે રીતે તૈયારી કરે છે અને રામૂ તેમને જે રીતે દૃશ્ય સમજાવે છે તે બધું જોઇને અમિતને ઘણું શીખવા મળ્યું છે. તેણે બચ્ચનના સમય અને શિસ્તપાલનના આગ્રહ વિશે સાંભળ્યું હતું પરંતુ નજરે જોવાનો મોકો શૂટિંગ દરમિયાન મળ્યો હતો. વળી પાત્રોને કેવો આકાર આપવો છે તે બાબતે રામૂ પણ એકદમ સ્પષ્ટ હતા એમ અમિતે ઉમેર્યું હતું.