હેન્ડસકોબ-માર્શની અર્ધસદીથી અૉસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ ડ્રો કરી

100 ઓવરમાં છ વિકેટે 204 રન કર્યાં: જાડેજાની ચાર વિકેટ: પૂજારા મેન ઓફ ધ મેચ: હવે 2પમીએ આખરી અને નિર્ણાયક મુકાબલો

રાંચી, તા.20: મીડલઓર્ડર બેટસમેન પીટર હેન્ડસકોબ અને શોન માર્શની લડાયક અર્ધસદીની મદદથી પ્રવાસી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત વિરૂધ્ધનો ત્રીજી ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહી હતી. આજે મેચના પાંચમા અને આખરી દિવસની સમાપ્તિ પર ઓસ્ટ્રેલિયાએ મેચ બચાવીને 100 ઓવરમાં 6 વિકેટે 204 રન કર્યાં હતા. આથી ભારતની 1પ2 રનની સરસાઇ કાપીને ઓસ્ટ્રેલિયા પ2 રને આગળ થયું હતું અને મેચ ડ્રો કરી હતી. હેન્સકોબે નિર્ણાયક ઇનિંગ રમીને 200 દડામાં 7 ચોકકાની મદદથી અણનમ 72 રન બનાવ્યા હતા. જ્યારે શોન માર્શે 197 દડામાં 7 ચોકકાથી પ3 રન કર્યાં હતા. ત્રીજી ટેસ્ટ ડ્રો રહેવાથી ચાર મેચની શ્રેણી 1-1ની બરાબરી પર યથવાત રહી છે. હવે આખરી અને નિર્ણાયક ચોથી ટેસ્ટ 2પ માર્ચથી ધર્મશાલા ખાતે રમાશે. જે શ્રેણીનું પરિણામ નકકી કરશે.

એક સમયે આજે લંચ પહેલા ઓસ્ટ્રેલિયાએ મેટ રેનશો (1પ) અને સુકાની સ્ટીવન સ્મિથ (21)ની મહત્વની વિકેટ પાંચ દડાના અંતરમાં ગુમાવી દીધી હતી. ત્યારે ભારત માટે જીતીની સારી તક સર્જાઇ હતી, પણ બાદમાં હેન્સકોબ અને માર્શે ભારતીય બોલરોને મચક આપ્યા વિના પાંચમી વિકેટમાં 121 રનની ભાગીદારી કરીને ભારતને જીતથી વંચિત રાખવામાં સફળતા મેળવી હતી. આ બન્નેએ લગભગ 62 ઓવર બેટિંગ કરી  હતી. જેથી ઓસ્ટ્રેલિયા મેચ ડ્રો કરી શકયું હતું. મેચની આખરી કલાકમાં માર્શને જાડેજાએ અને મેકસવેલની અશ્વિને વિકેટ લીધી હતી. આ પહેલા આજે સવારે ઇશાંત શર્માએ રેનશો સામે ઝંઝાવતી બોલિંગ કરીને એલબીડબ્લયૂ આઉટ કર્યોં હતો. એના પછીની ઓવરમાં જાડેજાના એક અદભૂત બોલમાં ઓસિ. સુકાની સ્મિથ બોલ લેફટ કરવાની ભૂલ કરીને કલીન બોલ્ડ થયો હતો. જાડેજાએ બીજા દાવમાં 4 વિકેટ લીધી હતી. આથી તેની મેચમાં 9 વિકેટ થઇ હતી. અશ્વિન અને ઇશાંતને 1-1 વિકેટ મળી હતી. પ2પ દડાની મેરોથોન ઇનિંગ રમીને 202 રન કરનાર ચેતેશ્વર પુજારા મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer