પ્રોફિટ બુકિંગ અને આઈટી શૅર્સમાં નરમાઈના પગલે સૂચકાંકો ઘટયા

રૂપિયો મજબૂત થતાં આઈટી શૅર્સ પટકાયા: ટાયર શૅર્સમાં તેજી

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : શૅરબજાર આજે શરૂઆતના તબક્કેથી જ ઘટાડે રહ્યું હતું. એશિયન બજારોના નબળાઈના વલણ અને સતત ઊંચા સ્તરે પહોંચેલા શૅરોમાં નફાતારવણીને લીધે બજારમાં ઘટાડો તેજ બન્યો હતો. જેથી બીએસઈ ખાતે સેન્સેક્સ ટ્રેડિંગ અંતે 130 પોઇન્ટ ઘટીને 29,518ના સ્તરે બંધ રહ્યો હતો. આઈડિયા સેલ્યુલરના વોડાફોન સાથે મર્જરને કંપની બોર્ડે મંજૂર કરવાના અહેવાલથી શૅરના ભાવમાં મોટી વધઘટને અંતે નિફ્ટી-50 30 પોઇન્ટ ઘટીને 9,129 બંધ આવ્યો હતો. સમગ્ર રીતે શૅરબજારમાં આજે માર્કેટ બ્રિધ સકારાત્મકથી નકારાત્મક તરફ ઢળવાનું વલણ જણાવ્યું હતું. આમ છતાં દિવસના ટ્રેડિંગ દરમિયાન બીએસઈ મીડકેપ અને સ્મોલ કેપ ઇન્ડાઇક્સ અનુક્રમે 0.2 અને 0.3 ટકા સુધર્યા હતા. બજારમાં મુખ્ય 1,462 શૅર્સમાં ઘટાડા સામે 1358 શૅર્સમાં થોડો સુધારો થયો હતો.

આમ છતાં, કેન્દ્ર સરકારના આર્થિક સુધારા પ્રત્યેક મક્કમતાને લીધે બજારમાં લાંબાગાળાનું સકારાત્મક વલણ ચાલુ રહેવાની સંભાવના છે. આજે કેન્દ્રના પ્રધાન મંડળે જુલાઈ '17માં જીએસટી લાગુ કરવાનો માર્ગ મોકલો કરવા મુખ્ય ચાર બિલને મંજૂરી આપી હતી. જેને સકારાત્મક મનાય છે. એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે કેટલાક શૅર્સની વેલ્યુએશન વધુ પડતી ઊંચી ગઈ હોવાથી ટૂંકાગાળામાં બજાર `નવા ઇંધણના અભાવે' રેન્જબાઉન્ડ રહેવાની સંભાવના છે.

જીઓજીત ફાઇનાન્સિયલના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વિધાનસભાના સકારાત્મક પરિણામથી શરૂ થયેલી રેલીઓ થોડો થાક ખાશે. પરંતુ એફઆઈઆઈનો નાણાપ્રવાહ જારી રહેવાની સંભાવના છે. જોકે, ડૉલર સામે રૂપિયામાં સતત મજબૂતીથી આઈટી કંપનીઓમાં નબળાઈ પ્રવેશી છે. પરંતુ સરકારના આર્થિક સુધારા ચાલુ રાખવાની અપેક્ષાએ બજાર સુધરતું રહેશે.

વ્યક્તિગત શૅરોમાં વોડાફોન સાથે આઈડિયાના મર્જરના અહેવાલે શૅરનો ભાવ 15 ટકા વધીને રૂા. 124 પહોંચ્યા પછી પુન: ઘટીને રૂા. 97.60ના સ્તરે બંધ રહ્યો હતો. દરમિયાન આઈટી કંપનીઓમાં રૂપિયાની મજબૂતી અને કેટલાક વૈશ્વિક અવરોધને લીધે અંદાજે 10,000 રોજગાર ઘટવાની સંભાવના છે. જેને લીધે એનએસઈ ખાતે આઈટી ઇન્ડેક્સ ઘટાડે રહ્યો હતો. દેશની મુખ્ય આઈટી કંપનીઓ ઇન્ફોસીસ ટીસીએસ અને વીપ્રો શૅર્સના ભાવમાં 2 ટકા સુધીનો ઘટાડો થયો હતો. બીજી તરફ મુખ્ય ટાયર કંપનીના ભાવ વધ્યા હતા. એમઆરએફ, એપોલો ટાયર, ગુડયર ઇન્ડિયા, જેકે ટાયર સહિત કંપનીઓના ભાવમાં સરેરાશ 1થી 3 ટકાનો સુધારો થયો હતો. જ્યારે પોલીમેડીક્યોર કંપની દ્વારા 1:1 બોનસની જાહેરાતથી શૅર 10 ટકા વધીને રૂા. 633 ક્વોટ થયો હતો.

વૈશ્વિક બજારમાં જોઈએ તો યુરોપિયન બજાર ખાતે પાન-યુરોપિયન સ્ટોક્સ 600 0.12 ટકા ઘટયો હતો. જી-20 દ્વારા સંરક્ષણાત્મક વેપારની નીતિનો વિરોધ પડતો મૂકાવાના અહેવાલથી ફ્રાન્સનો સીએસડી 40 અને બ્રિટનનો એફટીએલઈ અનુક્રમે 0.4 અને 0.2 ટકા ઘટાડે હતા. જ્યારે જર્મની ડેક્સમાં 0.3 ટકા નબળાઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer