ડૉલર નબળો પડતા સોનું વધ્યું
અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ.તા. 20 : અમેરિકાએ ગયા અઠવાડિયામાં વ્યાજદરમાં વધારો કર્યો છે પણ તેની ડૉલર પર સકારાત્મક અસર નહીં પડવાથી સોનાના ભાવ સુધરવા લાગ્યા છે. ફેડે 25 બેસીસ પોઇન્ટનો દર વધારો કર્યો છે પરંતુ ભવિષ્યમાં કેટલા અને ક્યા સમયે દર વધારા આવશે એ અંગે શુષ્ક નિવેદન આપ્યું છે એ કારણે ડૉલરમાં લેવાલી અટકી પડી છે. ન્યૂ યોર્ક સોનું સોમવારે વધુ સુધારા સાથે 1233 ડૉલર પ્રતિ ઔંસના સ્તરે રનીંગ હતું. હવે મે  મહિનામાં ફરીથી ફેડની બેઠક મળવાની છે એમાં વ્યાજદર વધવાની કોઇ શક્યતા નથી. જૂનમાં દર વધારો થશે કે કેમ તેમાં વિશ્લેષકોને વિશ્વાસ નથી. આવી શક્યતા પચાસ ટકા જ ગણી શકાય. ફેડે વ્યાજદર વધારો કર્યો એ પૂર્વે સોનામાં ભારે મંદી થઇ હતી. જોકે બુધવાર પછી સોનું 35 ડૉલર જેટલું વધી ગયું છે. ચાલુ સપ્તાહની ઇવેન્ટમાં ફેડના ચેરમેન જેનેટ યેલન પાછલી બેઠક અંગે નિવેદન આપવાના છે. અમેરિકાની વિવિધ નવ જેટલી આર્થિક નીતિઓ ભવિષ્યમાં જાહેર થવાની છે એના સંકેતો પર પણ બજારની નજર છે.

રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ સોમવારે રૂા. 50ના મામૂલી ઘટાડા સાથે રૂા. 29,050 હતો. ડૉલર સામે રૂપિયાએ સુધારો નોંધાવતા આયાત પડતર ઘટી હતી. ચાંદી ન્યૂ યોર્કમાં 17.39 ડૉલર હતી. સ્થાનિકમાં પ્રતિ કિલો રૂા. 40,900 જળવાયેલા હતા.