કોગ્નિઝન્ટ હજારો કર્મચારીઓની છટણી કરશે
મુંબઈ, તા.20 : યુએસ લિસ્ટેડ આઈટી અગ્રણી કોગ્નિઝન્ટ ટેક્નોલોજી સોલ્યુશન્સ જેના ઘણા કર્મચારીઓ ભારતમાં છે, તેણે કર્મચારીની સંખ્યા પાંચ ટકા જેટલી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. 

સામાન્ય રીતે નોન-પર્ફોમન્સને કારણે નીચેના એક ટકા કર્મચારીની છટણી થતી હોય છે, જે માર્ચના અંતે આવતી વાર્ષિક બઢતીની કામગીરી માટેનો આઈટી કંપનીઓનો એક ભાગ છે પણ કંપની પરંપરાગત આઈટી સર્વિસીસ ઉપરથી ધ્યાન હટાવીને ડિજિટલ તરફ કેન્દ્રિત કરી રહી હોવાથી કોગ્નિઝન્ટ મોટી સંખ્યામાં કર્મચારીની છટણી કરવા ધારે છે. વૈશ્વિક સ્તરે કંપની 2,60,000 કર્મચારીને રોજગાર પૂરો પાડે છે આમાંથી 75 ટકા કર્મચારી ભારતમાં છે. 

કોગ્નિઝન્ટના પ્રવક્તાએ કહ્યું કે વર્કફોર્સ મેનેજમેન્ટ સ્ટ્રટેજીના ભાગરૂપે કંપની નિયમિત ધોરણે પર્ફોમન્સ રિવ્યુ કરે છે જેથી કર્મચારીની કુશળતાને ક્લાયન્ટની જરૂરિયાત પ્રમાણે ઢાળી શકાય અને બિઝનેસના લક્ષ્યને પામી શકાય. 

પ્રવક્તાએ કહ્યું કે, ``આ પ્રક્રિયાના પરિણામે બદલાવ આવશે, કેટલાક કર્મચારીઓ કંપનીની બહાર જઈ શકશે. આ પ્રક્રિયાના કોઈ પણ પરિણામ પર્ફોમન્સને આધારે હશે અને અગાઉના વર્ષોમાં જે પ્રમાણે કર્યું તેને સમાન હશે. કોઈ પણ વર્ષે છટણીની સંખ્યા થોડી ઘણી વધઘટ થાય છે, પણ કર્મચારીઓની સંખ્યા ઘટડાવી એ અમારી નિયમિત પદ્ધતિનો એક ભાગ છે. આ સાથે કંપની તેની ક્ષમતા વધારવાનું ચાલુ રાખશે અને કંપનીના પ્રેક્ટિસ ક્ષેત્ર માટે તમામ પદ માટે કર્મચારીની ભરતી કરતી રહેશે.''

જાણકાર સૂત્રોએ કહ્યું કે આ વર્ષે ઉદ્યોગમાં બદલાવ લાવતા ડેવલપમેન્ટને પગલે બઢતીનું ચક્ર શરૂ થયું છે. ડિજિટાઈઝેશન અને અૉટોમેશને ઉદ્યોગમાં વર્ચસ્વ જમાવ્યું છે. તેને કારણે માનબળમાં વધુ કાપ મૂકાવાની ધારણા છે.