વોડાફોન-આઇડિયાનાં મર્જરને બહાલી : બિરલાના નેતૃત્વ હેઠળ નવી કંપની સ્થપાશે

મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : વોડાફોન ઇન્ડિયા અને વોડાફોન મોબાઇલ સર્વિસીસ સાથે પોતાના વિલીનીકરણને આઇડિયા સેલ્યુલરે મંજૂરી આપ્યા બાદ નવી કંપનીના ચૅરમેન તરીકે કામગીરી સંભાળવાનો આનંદ છે અને તે માટે હું ગૌરવ અનુભવું છું, એમ આદિત્ય બિરલા ગ્રુપના ચૅરમેન કુમાર મંગલમ બિરલાએ સોમવારે જણાવ્યું હતું.

આઇડિયા સેલ્યુલર અને વોડાફોન કંપનીઓના જોડાણની સમજૂતીથી હું અનહદ આનંદ અનુભવું છું. 40 કરોડ ગ્રાહકોના સાથે હાલમાં અમારી કંપનીઓ બીજા અને ત્રીજા ક્રમાંકે છે, એમ બિરલાએ જણાવ્યું હતું.

39.4 કરોડ ગ્રાહકો સાથે બંને કંપનીઓના વિલીનીકરણથી દેશના સૌથી મોટા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર તરીકે અમારી કંપની માર્કેટમાં સ્પર્ધા કરશે, એમ બિરલાએ મર્જર બાદ જણાવ્યું હતું.

બિરલા આ નવી કંપનીના ચૅરમેનપદે રહેશે જ્યારે વોડાફોન સીએફઓની નિમણૂક કરશે. મર્જર બાદ કંપનીઓના સ્ટાફમાં કોઈ વિશેષ કાપ મૂકવામાં નહીં આવે, એમ બિરલાએ જણાવ્યું હતું. આ જોડાણથી બંને કંપનીઓ દ્વારા 10 અબજ ડૉલરનું મૂલ્યસર્જન કરી શકાશે, એમ વોડાફોનના સીઈઓ વિટ્ટોરિયો કોલાએએ જણાવ્યું હતું. વિલીનીકરણ બાદ નવી કંપનીમાં બંને કંપનીઓનો સમાન હિસ્સો ચોક્કસ સમયગાળા માટે રહેશે, એમ બંને કંપનીઓના વડાઓએ જણાવ્યું હતું. આ નવી કંપનીમાં વોડાફોનનો હિસ્સો 45.1 ટકા રહેશે જ્યારે આદિત્ય બિરલા ગ્રુપ 26 ટકા હિસ્સો ધરાવશે. આઇડિયાના શૅરધારકો 29.9 ટકા રહેશે, એમ સૂત્રોનું કહેવું છે.

આઇડિયા સેલ્યુલર્સના ડિરેક્ટરો આજે તેમની બેઠકમાં વોડાફોન ઇન્ડિયા લિમિટેડ (વીઆઈએલ) અને તેની સંપૂર્ણ સબ્સીડીયરી વોડાફોન મોબાઇલ સર્વિસીસ લિમિટેડ (વીએમએસએલ)ને આઇડિયા સેલ્યુલર (કંપની) સાથે વિલીન કરવાની યોજનાને બહાલી આપવામાં આવી હતી, એમ આઈડિયાએ સેબીને કરેલી અરજીમાં જણાવ્યું હતું.

આ વિલીનીકરણ અમલી બનશે ત્યારે વીઆઈએલ અને વીએમએસએલનો સમગ્ર બિઝનેસ આ નવી કંપનીની માલિકી રહેશે. આમાં, ઇન્ડસ ટાવર્સ લિમિટેડમાં વી.આઈ.એલના રોકાણ તથા ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી પ્લેટફોર્મનો સમાવેશ થતો નથી, એમ અરજીમાં જણાવાયું હતું. વોડાફોન ઇન્ડિયાનું અને વીએમએસએલનું ટર્નઓવર અનુક્રમે રૂા. 5025 કરોડ તથા રૂા. 40,378 કરોડ છે. આઈડિયા સેલ્યુલરનું ટર્નઓવર રૂા. 36,000 કરોડ છે.

હાલમાં 23.58 ટકા બજાર હિસ્સા અને 26.58 કરોડ ગ્રાહકો સાથે એરટેલ દેશમાં સૌથી મોટી ટેલિકોમ કંપની છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer