મહારાષ્ટ્ર સરકારના બજેટની શિવસેનાએ કરી આકરી ટીકા
બદહાલીમાં જીવતા ખેડૂતોનાં હિત માટે પૈસા ન ફાળવાયાનો ટોણો  

મુંબઈ, તા.20 : મહારાષ્ટ્ર સરકારે બજેટમાં સંપૂર્ણ લોન માફીની જાહેરાત કરી હોત તો રાજ્યના ખેડૂતોને રાહતની લાગણી થઇ હોત, એમ ફડણવીસ સરકારમાં ભાજપની ભાગીદાર પાર્ટી શિવસેનાએ જણાવ્યું હતું. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં બજેટની ટીકા કરતા વધુમાં જણાવાયું હતું કે ગયા વર્ષના બજેટમાં પણ સરકારે કૃષિ ક્ષેત્રને પચીસ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા છતાં છેલ્લા વર્ષમાં મહારાષ્ટ્રમાં 3,000થી વધુ ખેડૂતોની આત્મહત્યાના કેસો નોંધાયા છે. નાણા પ્રધાને તેના બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે પરંતુ ખેડૂતોની બદહાલી અને આત્મહત્યાના આંકડા પરથી સરકાર ખેડૂતોના હિતમાં કામ કરતી હોવાનું જણાતું નથી. સરકારે બજેટમાં ખેડૂતો અને કૃષિ માટે જે રાહતની યોજનાઓ જાહેર કરી છે, તે ગયા વર્ષે સારા વરસાદના કારણે જીવતા રહેલા ખેડૂતો માટે છે. અગાઉની બદહાલી સહી રહેલા ખેડૂતો માટે બજેટમાં કોઇ જ જોગવાઇ નથી.