હવે રેલવે યાત્રા બનશે મનોરંજક

આગામી મહિનાથી રેલવે સ્ટેશનો અને ટ્રેનમાં ફિલ્મો, ટીવી ધારાવાહિક, ધાર્મિક કાર્યક્રમો પ્રસારિત થવાની સંભાવના

નવી દિલ્હી, તા. 20 : રેલવેને વધુને વધુ આરામદાયક અને આધુનિક બનાવવાની દિશામાં મહત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. અગાઉ બાળકો માટે દુધની વ્યવસ્થા અને અમુક રેલવે સ્ટેશનોએ વાઈફાઈ સુવિધા બાદ હવે આગામી મહિનાથી રેલવેની મુસાફરી વધુ મનોરંજક બનાવવા માટે ટ્રેનમાં ટીવી ધારાવાહિક, ફિલ્મો, નાના વીડિયો, બાળકો માટેના કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો વગેરે જોવા મળશે. ટ્રેન ભાડા સિવાયની સુવિધાઓમાંથી આવક વધારવાની કામગીરી કરી રહેલુ રેલવે તંત્ર હવે મુસાફરોને મનોરંજન આપવાની દિશામાં ઝડપથી દોડી રહ્યું છે. 

રેલવે મંત્રાલયે કોન્ટેન્ટ ઓન ડિમાન્ડ અને રેલ રેડિયો માટે ટેન્ડરો પણ મંગાવ્યા હોવાથી એક માસની અંદર રેલવેમાં મનોરંજનની સુવિધા શરૂ થવાની સંભાવના છે. બોસ્ટન કંસલ્ટિંગ ગ્રુપના એક અહેવાલ પ્રમાણે ટ્રેનો અને રેલવે સ્ટેશનો ઉપર સીઓડીની સુવિધા શરૂ કરવાથી આગમી ત્રણ વર્ષમાં રેલવેની મનોરંજન સાથેની માહિતીની બજાર 2277 કરોડે પહોંચવાની સંભાવના છે. જેમાં રેડિયો, ઓડિયો, ડિજીટલ મ્યુઝિક, અને ગેમીંગનો પણ સમાવેશ થાય છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ સુવિધામા માલિકી હક ધરાવતી કંપનીઓ આઈડીઆ, વોડાફોન, એરટેલ, માઈફ્રિટીવી વગેરે પણ રસ દાખવી શકે છે. 

સીઓડીથી ત્રણ વર્ષમાં ઇન્ફોટેનમેન્ટ માર્કેટ આશરે 2,277 કરોડ થવાની શક્યતા રેલવેને જણાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer