મહારાષ્ટ્રના ખેડૂતોનાં દેવાં માફ કરો
શિવસેનાનું પ્રતિનિધિમંડળ હવે દિલ્હીમાં રાજનાથ સિંહને મળ્યું 

નવી દિલ્હી, તા.20 : ગયા અઠવાડિયે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે દિલ્હી ગયેલા રાજ્યના શિવસેનાના નેતાઓ મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ કરવાની માગણી લઇને નાણાપ્રધાન અરુણ જેટલી અને કૃષિપ્રધાન રાધામોહન સિંહને મળ્યા હતા અને આજે દિલ્હીમાં શિવસેનાના નેતાઓનું પ્રતિનિધિમંડળ આવી માગણી સાથે ગૃહ પ્રધાન રાજનાથ સિંહને મળ્યું હતું.

રાજનાથ સિંહ સાથેની મુલાકાતમાં શિવસેનાના સંસદસભ્યો અરવિંદ સાવંત, શ્રીરંગ બારણે અને આનંદરાવ અડસુલ ઉપરાંત રાજ્યના પરિવહન પ્રધાન દિવાકર રાવતે પણ હાજર રહ્યાં હતાં. શિવસેનાના આ નેતાઓએ રાજનાથ સિંહ સાથેની મુલાકાતમાં ખેડૂતોના દેવા માફ કરવા સંબંધી રજૂઆત કરવા ઉપરાંત મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ, ચર્ની રોડ અને એલફિન્સ્ટન સહિતના રેલવે સ્ટેશનોના નામ બદલવા સંબંધી માગણી પણ કરી હતી. 

અગાઉ મુખ્ય પ્રધાન સાથેની દિલ્હીની મુલાકાતમાં પણ ખેડૂતોના દેવા માફ કરવા સંબંધી કોઇ નક્કર ખાતરી કેન્દ્ર સરકાર તરફથી નહોતી મળી, તેથી આજે ફરીથી શિવસેનાના નેતાઓએ ખાસ કરીને સંસદસભ્યોએ રાજનાથ સિંહને મળીને આ સંબંધી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું.