જીએસટી માટે માઈગ્રેશન નહીં કરાવનારાઓને પહેલી જુલાઈથી વૅટ કે સેનવૅટના લાભ નહીં મળે

પેઢીએ જેટલાં રાજ્યોમાં કચેરી હશે એટલાં રજિસ્ટ્રેશન મેળવવાં પડશે

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 20 : જે વેપારીઓ કે કરદાતાઓ આવતી 31મી માર્ચ સુધીમાં જીએસટી એકટ હેઠળ રજિસ્ટ્રેશન, એક્ટિવેશન અને માઈગ્રેશન નહીં કરાવે તેઓને વૅટ અને સેનવેટની ક્રેડિટ પહેલી જુલાઈથી કેરીફોરવર્ડ કરવાની સગવડ નહીં મળી શકે એમ સેન્ટ્રલ એક્સાઈઝના સુપરિન્ટેન્ડેન્ટ ઉલ્હાસ નાયરે જણાવ્યું છે.

ઝવેરી બજારમાં સોના-ચાંદીના દાગીના બનાવવાના અને તેના ખરીદ વેચાણના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને જીએસટી અંગે માહિતી આપવા સેન્ટ્રલ એક્સાઈઝના કલેકટોરેટ-એક દ્વારા આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં ઉલ્હાસ નાયરે જીએસટી અંગે પ્રેઝન્ટશેન આપ્યું હતું. નાયરે જણાવ્યું હતું કે જીએસટીમાં રજિસ્ટ્રેશન પેન આધારિત છે. એક રાજ્યમાં દસ એકમો કે શાખા ધરાવતી પેઢીને એક જ રજિસ્ટ્રેશન મળશે. ઉદાહરણ તરીકે મુંબઈમાં મુખ્ય અૉફિસ તેમ જ નાસિક, પુણે અને નાગપુરમાં  શાખા કે ઉત્પાદન એકમો ધરાવતી પેઢીને એક જ રજિસ્ટ્રેશન લેવું પડે. જો તેની એક કે તેથી વધુ શાખા ગુજરાતમાં હોય તો તેના માટે અલગ રજિસ્ટ્રેશન લેવું પડે. સેન્ટ્રલ એક્સાઈઝમાં મુખ્ય આધાર ઉત્પાદન છે. જ્યારે જીએસટીમાં માત્ર ઉત્પાદન જ નહીં પણ બધા પ્રકારના વેપારને આવરી લેવાયા છે.

માલ બીજા રાજ્યોમાં સીધો ગ્રાહકને વેચવામાં આવતો હોય તો વેપારી પેઢીએ ત્યાં રજિસ્ટ્રેશન લેવાની આવશ્યકતા નથી. દેશના જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાખા કે ઉત્પાદન એકમો તેના માટે પેઢીએ રજિસ્ટ્રેશન લેવું પડશે. વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવતી વેળાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે અન્યોનો મોબાઈલ નંબર કે ઈ-મેલ એડ્રેસ આપવાનું ટાળવું. એક સીએ પાસે 60 કે 70 જેટલા કલાયન્ટ હોઈ શકે છે. વધુમાં આવતી 31મી માર્ચ પછી મોબાઈલ નંબર કે ઈ-મેલ એડ્રેસ બદલી શકાશે નહીં. તેથી જો કોઈ સંજોગોમાં સીએ સાથે મતભેદ થાય તો પછી વેપારીને જીએસટી સંબંધી સંદેશ કે જાણકારી મળવાનું મુશ્કેલ બનશે. રજિસ્ટ્રેશન, એક્ટિવેશન અને માઈગ્રેશન કરાવતી વેળાએ પ્રત્યેક પેજને સેવ કરીને કન્ટીન્યુ કરવું. અન્યથા આગળ વધ્યા પછી અગાઉના પેજ (પૃષ્ઠ) કોરા રહી જવાની શક્યતા છે. પેઢીની મુખ્ય કચેરીના પુરાવા તરીકે ગુમાસ્તા લાઈસન્સ અથવા ભાડાની રસીદ જેવા દસ્તાવેજો આપી શકાશે એમ નાયરે ઉમેર્યું હતું.

સહાયક આયુક્ત અભિષેક આનંદે જણાવ્યું હતું કે જેઓ જોબ વર્ક કરાવે છે તેઓને `વૅટ' જેવું રજિસ્ટર બનાવવું પડશે. આવતી 31મી માર્ચ જીએસટી કાઉન્સિલની બેઠક મળવાની છે. તેમાં જીએસટી અંગેના નિયમો ઘડીને તેને અંતિમરૂપ આપવામાં આવશે. તેની વિગતો બીજી કે ત્રીજી એપ્રિલે બહાર આવશે. ત્યાર પછી વર્તમાન સમયમાં પ્રવર્તતી અસ્પષ્ટતા દૂર થશે. હાલનો સીએસટી હવે આઈ-જીએસટીમાં રૂપાંતરીત થશે એમ આનંદે ઉમેર્યું હતું.

નાયરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં `વૅટ' હેઠળ રજિસ્ટ્રેશન ધરાવનારા 7.93 લાખ પેઢીઓને પ્રોવિઝનલ આઈડી આપવામાં આવ્યો છે. સર્વિસ ટૅક્સ ડિપાર્ટમેન્ટ તરફથી 2.50 લાખ અને સેન્ટ્રલ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ તરફથી 14,000 પેઢીઓને પ્રોવિઝનલ આઈડી આપવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશન, એક્ટિવેશન અને માઈગ્રેશનની પ્રક્રિયા વહેલી તકે પૂરી કરે એ જરૂરી છે. અન્યથા પેઢીઓને પહેલી જુલાઈથી વૅટ અને સેન્ટ્રલ એક્સાઈઝની વૅટ અને સેનવૅટની ક્રેડિટ કે સેટ ઓફ નહીં મળે એમ નાયરે ઉમેર્યું હતું.

સેન્ટ્રલ એક્સાઈઝના સુપરિન્ટેન્ડન્ટ ઓમપ્રકાશ ભગતાનીએ કાર્યક્રમના પ્રારંભમાં જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણે ગીતામાં આત્મા વસ્ત્રરૂપી શરીર બદલે છે અને બીજી કાયામાં પ્રવેશ કરે છે તેવી વાત કરી છે. બરાબર એવી જ બાબત જૂના કરવેરા જૂનું શરીર છોડીને નવા શરીરમાં પ્રવેશ કરવાના છે તે દૃષ્ટિએ આ કરવેરાનો પુનર્જન્મ કહી શકાય. તેની માહિતી આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમ ભગતાનીએ ઉમેર્યું હતું.

ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અશોક મીનાવલાએ જીએસટીને કારણે વેપારીઓને નડનારી તકલીફો વિશે જણાવ્યું હતું કે `વૅટ'માં માલના વેચાણ માટેનું બિલ બને પછી તેના ઉપર વેરા વસૂલ કરાય છે. જ્યારે જીએસટીમાં માલ માટે ઓર્ડર આપતી વેળાએ જે એડવાન્સ કે ડિપોઝિટ આપવામાં આવે તેના ઉપર પણ જીએસટી વસૂલ કરવાની જોગવાઈ છે. ઓર્ડર આપ્યા પછી ગ્રાહક કોઈ કારણસર માલ ખરીદે નહીં તો વેપારીએ શું કરવું? શું રિફંડ મેળવવા જીએસટીના સત્તાવાળાઓ પાસે અરજી કરવી? અમારા ધંધામાં ઘણીવાર માલ ગ્રાહકને જોવા ઘરે મોકલીએ છીએ. તેના માટે પણ જીએસટી લેવો પડે? આ બાબત વિચિત્ર છે. બીજું, મારી પેઢીનો માલ મુંબઈની કચેરીમાંથી સુરતની શાખામાં મોકલવામાં આવે તો પણ તેના ઉપર જીએસટી વસૂલ થશે. આ જોગવાઈ પણ વેપારીઓ માટે મુશ્કેલ બનશે એમ મીનાવાલાએ ઉમેર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડિરેકટર મનસુખ કોઠારી અને મુંબઈ ગોલ્ડ મેન્યુફેકચરર્સ એસોસિયેશનના વિનોદ વડાલાએ સેન્ટ્રલ એક્સાઈઝના અધિકારીઓનું સ્વાગત કર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer