દવાઓના વેચાણ ઉપર નજર રાખવા સરકાર બનાવશે ઇ-પ્લેટફોર્મ
દવાના ઉત્પાદકોથી લઈને વિક્રેતાઓ તેમ જ તબીબોની વિગતોની પોર્ટલ ઉપર નોંધણી થશે

નવી દિલ્હી, તા. 20 : શરીરને હાની પહોંચાડવાની શક્યતા ધરાવતી અમુક દવાઓના ઓનલાઈન વેચાણ ઉપર નિયમો લાદવા માટે સરકારે ઇ-પ્લેટફોર્મ બનાવવાનો નિર્ણય કર્યો છે. ઇ-પ્લેટફોર્મમાં દવાના ઉત્પાદકો અને વિક્રેતાઓને દવાના વેચાણ અંગેની મંજૂરી સહિતની વિગતોની નોંધ કરાવવી પડશે. જેથી દવાના ઓનલાઈન વેચાણ અંગેની તમામ વિગતો સરકારને મળી રહે.

ઉત્પાદકો અને વિક્રેતાઓ સિવાય ખાનગી અને સરકારી હોસ્પિટલોની વિગતો નોંધવામાં આવશે. જેમાં દર્દીઓને લખેલી દવાની વિગતો અને કારણો દર્શાવવાના રહેશે. દર્દીઓને આપવામાં આવેલી તમામ દવાઓ ડોક્ટરોના નામ સહિત નોંધવામાં આવશે. દેશમાં દવાઓના વેચાણની માહિતી રાખવાની દિશામાં સરકારનું આ પ્રથમ પગલું છે. દર્દીઓને બીમારી માટે યોગ્ય દવાઓ મળે છે કે નહીં અને ઓનલાઈન વેચવામાં આવતી દવાઓની ગુણવત્તા સહિતની બાબતો ઉપર ઇ-પ્લેટફોર્મ વડે નજર રાખી શકાશે. આ માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પ્રતિક્રિયાઓ પણ મંગાવવામાં આવી છે. 

ઇ-પ્લેટફોર્મ અંતર્ગત પોર્ટલ ઉપર ઉત્પાદકોએ દવાના ઉત્પાદન, એક્સપાયરી ડેટ, ખરીદનાર છૂટક અને જથ્થાબંધ વેપારીઓની વિગતો વગેરેની નોંધ કરવાની રહેશે જ્યારે વિક્રેતાઓએ દવાના ખરીદ વેચાણ સહિતની માહિતી પૂરી પાડવાની રહેશે. તેમાં પણ અમુક ગંભીર રોગ માટેની દવાઓ માટે દર્દીની વિગતો અને ડોક્ટરોના રજિસ્ટ્રેશન નંબર પણ નોંધવામાં આવશે. પોર્ટલની શરૂઆત થતા દવાના ઉત્પાદકો, વેપારીઓ, ક્લિનિક, ખાનગી અને સરકારી હોસ્પિટલો વગેરે ઇ-પ્લેટફોર્મ હેઠળ આવરી લેવામાં આવશે.