70 વર્ષીય બ્રેઈનડેડ દાદીનાં અંગદાનથી ચાર વ્યક્તિનાં જીવનમાં પ્રકાશ ફેલાયો
સુરત, તા. 20 : 70 વર્ષીય બ્રેઈનડેડ દાદી દેવકુંવરબેન છગનભાઈ કાકડિયાનાં અંગોનાં દાનથી ચાર વ્યક્તિનાં જીવનમાં પ્રકાશ ફેલાયો છે. 

ગત 16મી માર્ચનાં રોજ દેવકુંવરબેન તેમનાં ઘરે રાત્રિનાં સાડા નવ કલાકે ઉલટી થતાં અચાનક બેભાન થઈ ગયા હતાં. તેમને તાત્કાલિક શહેરની સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી સરદાર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ શહેરની મહાવીર ટ્રોમમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સીટી સ્કેન કરતાં મગજમાં લોહીનાં ગઠ્ઠો જામી ગયાનું નિદાન થયું હતું.

ગત 19મી એ ન્યુરોસર્જન ડૉ. હસમુખ સોજીત્રા અને ન્યુરોફિજિશિયન ડૉ. મનોજ સત્યવાણીએ દેવકુંવરબેનને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં. વલ્લભીપુરવાળા રમેશભાઈ વઘાસીયાએ ડોનેટ લાઈફ સંસ્થાનાં પ્રમુખ નિલેશભાઈ માંડલેવાળાનો સંપર્ક કરતાં દેવકુંવરબેનનાં બ્રેઈનડેડ અંગેની માહિતી આપી હતી. 

ડોનેટ લાઈફની પુરી ટીમ હૉસ્પિટલ પર પહોંચીને પરિવારજનોને અંગદાન અંગે વિસ્તૃત માહિતી આપીને અંગદાન કરવા માટે જાગૃત્ત કર્યા હતાં. બ્રેઈનડેડ દેવકુંવરબેનનાં પતિ છગનભાઈ અને તેમનાં પુત્રો મુકેશ અને વિકાસ સાથે પરિવારનાં અન્ય સભ્યોએ દેવકુંવરબેનનાં અંગોનાં દાન માટે મંજૂરી આપી હતી. 

દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની રાજકોટનાં રહેવાસી દિલીપભાઈ વિરમભાઈ બોડા(ઉ.53)માં અને લીવર ભાવનગરનાં રહેવાસી વસંતભાઈ દેવજીભાઈ(ઉ.43)માં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. બ્રેઈનડેડ દાદીનાં આંખોનું પણ દાન કરાયું હતું. બન્ને ચક્ષુઓ શહેરની લોકદૃષ્ટિ ચક્ષુ બૅન્કનાં ડૉ. પ્રફુલભાઈ શિરોયાએ સ્વીકાર્યુ હતું.