પાકિસ્તાનમાં `લાપતા થયેલા'' બે ભારતીય ઉલેમા સ્વદેશ હેમખેમ પરત
નવી દિલ્હી તા. 20 : પાકિસ્તાનમાં ગયા સપ્તાહે લાપતા થયેલા બે ઉલેમાઓ-હઝરત નિઝામુદ્દીન દરગાહના સજ્જાદાનશીં સૈયદ અસીફ અલી નિઝામી(80) અને તેમના ભત્રીજા નઝીમ અલી નિઝામી- આજે હેમખેમ સ્વદેશ પરત ફર્યા હતા.  તેઓ પાકથી પાછા આવી જતાં હવાઈ મથકે ઉપસ્થિત કુટુંબીજનો અને તેમના શુભેચ્છકોએ તેમનું સ્વાગત કર્યુ હતું. તેઓ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને પણ મળ્યા હતા.

તેઓ બંને ભારતીય ગુપ્તચર એજન્સી `રો' સાથે કડી ધરાવતા હોવાનો દાવો કરતા સ્થાનિક ઉર્દૂ દૈનિકના અહેવાલના આધારે તેઓને ઉપાડી જવાયા હતા એવો આક્ષેપ સૈયદ અસીફના પુત્ર અમીર નિઝામીએ કર્યો હતો.

શું આમાં પાકની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સંડોવાયેલી હશે એવા પ્રશ્ને કોઈ નુકતેચીની કરવાનું નકારતાં અમીરેસ્પષ્ટ જણાવ્યુ હતું કે તેઓ પર કોઈ જોરજુલ્મ આચરાયા ન હતા. બેઉ ઉલેમાઓએ તેઓ હેમખેમ ભારત પરત ફરી શકયા માટે ભારત અને પાક સરકારોનો આભાર વ્યકત કર્યો હતો. મારા કાકા સૈયદ અલીનો હેતુ 26  વર્ષ બાદ તેમના બહેનને મળવાનો હતો અને મારો હેતુ કરાચીમાં વસતા 90 વર્ષીય ફઈને મળવાનો હતો એમ નઝીમે જણાવ્યું હતું.