હવે પાકિસ્તાનમાં હિન્દુ મેરેજ એક્ટ
લઘુમતી હિન્દુઓના વિવાહને કાયદાકીય સુરક્ષા કવચ પૂરું પાડતા કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી

ઈસ્લામાબાદ, તા. 20 : પાકિસ્તાનમાં વસતા હિન્દુ લઘુમતી સમુદાયના હિતમાં લેવાયેલા એક મોટા ફેંસલામાં પાકિસ્તાનની સરકારે હિન્દુ લગ્ન કાયદાને મંજૂરી આપી દીધી છે. પાકના રાષ્ટ્રપતિ મમનૂન હુસેને લઘુમતી હિન્દુઓના લગ્નને કાયદાકીય માન્યતાનું સુરક્ષા કવચ પૂરું પાડતો હિન્દુ લગ્ન કાયદો મંજૂર કર્યો છે.

વડાપ્રધાન કચેરીએ એક નિવેદનમાં સમાચારને સમર્થન આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નવાઝ શરીફની સલાહથી રાષ્ટ્રપતિએ મંજૂરીની મોહર મારી દીધી છે.

સિંધ પ્રાન્ત પહેલાં જ હિન્દુ લગ્ન કાયદો અમલી કરી ચૂકયો છે આ કાયદાને મંજૂરી પાકિસ્તાનમાં વસતા લઘુમતી હિન્દુ સમુદાય માટે એક મોટી ઉપલબ્ધિ તેમજ રાહતરૂપ ઘટનાક્રમ રૂપે જોવાઈ રહી છે.

આ કાયદા હેઠળ મુસ્લિમોને અપાતાં `િનકાહનામા' જેમ જ લગ્નના કાનૂની પુરાવારૂપે `લગ્નપત્ર' હિન્દુ સમુદાયના લગ્ન કરનાર દંપતીઓને પણ અપાશે.

લઘુમતી હિન્દુ સમુદાયની વિધવા મહિલાઓને સરકાર પાસેથી મળતી સુવિધાઓનો લાભ લેવા પણ લગ્નની કાનૂની નોંધણી મદદરૂપ થશે. લગ્ન માટે હિન્દુ યુગલની કમસે કમ ઉમર 18 વર્ષ રખાઈ છે.

છૂટાછેડા લેવા માટે હિન્દુ દંપતી અદાલતમાં અરજી પણ કરી શકશે. આ કાયદા તળે હિન્દુ વિધવાને પતિના મૃત્યુના છ માસ બાદ ફરી લગ્ન કરવાનો અધિકાર અપાયો છે.