ગંગા-યમુનાને `જીવિત વ્યક્તિ''નો દરજ્જો!

ઉત્તરાખંડ હાઈ કોર્ટનો શકવર્તી આદેશ: દેશમાં પહેલીવાર કોઈ નદીને અપાયા વ્યક્તિ જેવા કાનૂની અધિકાર : ગંગા શુદ્ધિકરણમાં ઉપયોગી થશે

દેહરાદૂન, તા.20: ઉત્તરાખંડની નૈનિતાલ હાઈકોર્ટે આજે એક શકવર્તી ચુકાદો આપતાં પ્રદૂષણ પીડિત `પવિત્ર' ગંગા નદીને પ્રથમ જીવંત વ્યક્તિ કે એકમનો દરજ્જો આપ્યો છે. આમ કાનૂની રાહે ગંગા નદી એક વ્યક્તિ બને છે. દેશમાં પ્રથમ વખત કોઈ નદીને આવી રીતે જીવિત વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગંગાની સાથે યમુનાને પણ આ વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે, આમ હવે ભારતીય બંધારણમાં માણસને મળતા તમામ અધિકારો આ નદીઓને પણ મળશે.

નૈનિતાલ હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ભારતમાં ગંગા નદી જીવનનું પ્રથમ પ્રમાણ છે. આ સાથે જ અદાલતે કેન્દ્ર સરકારને ઝડપથી ગંગા પ્રબંધન બોર્ડની રચના કરવાનો પણ આદેશ આપ્યો હતો. આટલું જ નહીં ગંગા નદીમાંથી વહેચાતી નહેરો વગેરે સંપત્તિનું વિભાજન પણ આઠ અઠવાડિયાના સમયમાં કરી નાખવાનો આદેશ અપાયો છે.

આ પગલે દેશની નદીઓમાં થતું પ્રદૂષણ ઘટાડી શકાશે. ઉપરાંત ગંગા નદીને શુદ્ધ કરવામાં મદદ મળશે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નદીના રખરખાવ માટે શક્ય તમામ પ્રયાસો હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા.  દેશની વ્યાખ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ, કંપની, સહકારી મંડળી કે પેઢીને `હસ્તી'નો દરજ્જો મળેલો હોય છે. જે હક્કોની સુરક્ષા કરવા માટે કેસ દાખલ કરી શકે, કોર્ટમાં ખુદનો બચાવ કરી શકે તથા કોઈ કરાર કરી શકે. જો કે, આ તમામ અધિકારોનો ઉપયોગ અને ફરજોનું નિર્વહન `વ્યક્તિ' દ્વારા કરવામાં આવતું હોય છે.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer