ચાર જીએસટી પૂરક ખરડાઓને કેબિનેટની બહાલી

સંસદમાં મૂકવાનો માર્ગ મોકળો : અર્થતંત્રને બે ટકાનો બૂસ્ટ મળશે

આનંદ કે વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 20 (પીટીઆઈ) : કેન્દ્રીય પ્રધાન મંડળે સોમવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ના પૂરક એવા ચાર વિધેયકને મંજૂરી આપતાં એ તમામ ખરડા સંસદમાં મૂકવા માટેનો માર્ગ મોકળો કર્યો હતો.

મુખ્ય જીએસટી કાયદાના પૂરક એવા આ બધા ચાર કાયદા પસાર થઈ ગયા પછી દેશમાં પહેલી જુલાઈથી જીએસટી કાયદાના અમલીકરણનો માર્ગ મોકળો બની જશે. આના પગલે દેશના અર્થતંત્રમાં આશરે બે ટકાનો વધારો થવાની શક્યતા છે.

વળતરનો કાયદો, કેન્દ્રીય જીએસટી, સંકલિત જીએસટી અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે

જીએસટી એમ ચાર જીએસટી પૂરક વિધેયકો ચાલુ અઠવાડિયામાં જ સંસદમાં મુકાશે.

સૂત્રોના જણાવ્યાનુસાર રાજ્યોને મહેસૂલી નુકસાનની સ્થિતિમાં તેની ભરપાઈ સાથે જોડાયેલા વળતર વિધેયક સહિતના આ ચાર ખરડા સંસદમાં `મનીબિલ' એટલે કે, `નાણા વિધેયક' રૂપે રજૂ કરાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે આજે મળેલી મંત્રી મંડળની બેઠકમાં જીએસટીના પૂરક વિધેયકોને મંજૂરી એકમાત્ર એજન્ડા હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ માટે વિધેયકો પર સંસદમાં એક સાથે ચર્ચા થશે અને સંસદમાં પસાર થઈ ગયા બાદ રાજ્યોમાં પણ રાજ્ય જીએસટી પર વિધાનસભાઓમાં ચર્ચા અને પસાર કરવાની કવાયત શરૂ થશે.

જીએસટી વેરાપ્રણાલી હેઠળ 5,1218 અને 28 ટકાના વેરાના ચાર સ્તર રહેશે, તે ઉપરાંત કાર, પીણાં અને તમાકુ ઉત્પાદનો ઉપરના વેરા ઉપરાંત લેવી વસૂલ કરવામાં આવશે જેથી રાજ્યોને થનારા સંભવિત નુકસાન સામે વળતર આપી શકાય. નવી વેરાપ્રણાલીના અમલથી વિવિધ રાજ્યોમાં પરોક્ષ વેરા વસૂલી દૂર થશે અને વિવિધ જણસો માટે સમાન વેરા જે તે સ્તર હેઠળ લાગુ થશે.

તે ઉપરાંત માલની હેરફેર સરળ અને વધુ ગતિશીલ બનશે તેમ જ રાષ્ટ્રના વિકાસને પણ ઝડપી બનાવશે. જીએસટીના અમલથી કૉર્પોરેટ કંપનીઓના ખર્ચમાં કાપ આવવાની સાથે દેશના વિકાસ વૃદ્ધિ દર (જીડીપી)માં પણ 0.5 ટકાનો વધારો થવાની અપેક્ષા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer