હવે અધિકારીઓ સંપત્તિની વિગતો જાહેર કરશે

હવે અધિકારીઓ સંપત્તિની વિગતો જાહેર કરશે
ઉત્તર પ્રદેશમાં વ્યાપક સુધારાની શરૂઆત

વાહનો પર લાલબત્તી નહીં : વીઆઈપી કલ્ચર નહીં : 100 દિવસના એજન્ડાની તૈયારી

લખનઊ, તા. 20 (પીટીઆઈ) : મુખ્ય પ્રધાન તરીકે રવિવારે શપથ લીધા બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીએ રાજ્યમાં વ્યાપક સુધારાની શરૂઆત કરી દીધી છે અને આજે સવારે તેમણે વીવીઆઈપી ગેસ્ટ હાઉસ લોકભવનમાં રાજ્યના ટોચના અમલદારો સાથે બેઠક કરી હતી અને તમામ અધિકારીઓને 15 દિવસમાં તેમની સંપત્તિ જાહેર કરવા જણાવ્યું હતું. પારદર્શક વહીવટ માટે આ જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું.

અધિકારીઓ સાથેની બેઠકમાં હાજર રહેલા નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્યે કહ્યું હતું કે અધિકારીઓ સાથે એક બીજાને ઓળખવાની મુલાકાત હતી. ભાજપે ચૂંટણી ઢંઢેરો સંકલ્પ પત્રના નામે જારી કર્યો હતો અને હવે સંકલ્પ પત્રને અમલી બનાવવા માટે અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. આશરે 65 ટોચના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

આદિત્યનાથ યોગીએ ટોચના અધિકારીઓને સ્વચ્છતાની પણ શપથ લેવડાવ્યા હતા. મુખ્ય પ્રધાને રાજ્યના ડીજીપી જાવેદ અહમદ સાથે પણ મુલાકાત કરી હતી અને બહુજન સમાજ પક્ષના નેતા મોહમ્મદ શમીની હત્યા પર ચિંતા વ્યક્ત કરીને 15 દિવસમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા આદેશ આપ્યો હતો.

આદિત્યનાથ યોગી સરકારમાં ખાતા વહેંચણી થઈ નથી છતાંય 100 દિવસમાં કરવામાં આવનારા કામકાજનો એજન્ડા તૈયાર કરવામાં આવી રહ્યો છે. એન્ટી રોમિયો સ્કવોડની સ્થાપના પણ ટૂંક સમયમાં થવાની છે.

આ સંદર્ભમાં કેશવપ્રસાદ મૌર્યે એક ટીવી ચૅનલને જણાવ્યું હતું કે સરકાર 100 દિવસનો એજન્ડા બનાવી રહી છે. ખેડૂતોની લોન માફી, ગેરકાયદે કતલખાના બંધ કરવા, શેરડી ઉત્પાદક ખેડૂતોની સમસ્યા દૂર કરવી અને મહિલા સુરક્ષાના મુદ્દા તેમાં મહત્ત્વના રહેશે.

ભાજપના સંકલ્પપત્રમાં મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કવોડ બનાવવાનું વચન આપવામાં આવ્યું છે. આ સંદર્ભમાં મૌર્યે જણાવ્યું હતું કે આ વચન સામે કોઈ જાતિ કે ધર્મને સંબંધ નથી.

બીજી તરફ ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં યુપીમાંના તમામ કતલખાનાં બંધ કરવાનો સંકલ્પ કર્યો હોવાના પગલે અલ્હાબાદ નગર નિગમ સત્તાવાળાઓએ શહેરમાંના બે કતલખાનાં સીલ કર્યા છે. કોઈ ભેદભાવ વગર શાસન કરવાની પ્રતિજ્ઞા લેનાર મુખ્ય પ્રધાને પોતાના શાસન દરમિયાન કોઈ વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન ન આપવા નિર્ણય કર્યો છે. રાજયના કોઈ પ્રધાનોને તેમના સત્તાવાર વાહનના મથાળે લાલ બત્તી વાપરવા છુટ ન આપવાના આદેશ તેમણે જારી કર્યા છે. તમામ પ્રધાનોને તેમની સ્થાવર -જંગમ મિલકતોની વિગતો પંદર દિવસમાં રજૂ કરવા તાકીદ કરાઈ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer