કોલકાતા સામે લાયન્સ હારનો બદલો લેવા મેદાને પડશે

કોલકાતા સામે લાયન્સ હારનો બદલો લેવા મેદાને પડશે
પૉઇન્ટ ટેબલ પરની ટોચની ટીમ સામે તળિયાની ટીમનો આજે મુકાબલો

કોલકતા તા.20: આઇપીએલ-10માં જીતના ટોનિક વિના ફિકકી પડી ગયેલી ગુજરાત લાયન્સની ટીમ આવતીકાલ શુક્રવારે પોઇન્ટ ટેબલની ટોચની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. ત્યારે લાયન્સનો ઇરાદો હોમ ગ્રાઉન્ડ રાજકોટના મેચમાં કેકેઆર સામે મળેલી 10 વિકેટે કારમી હારનો બદલો લેવા પર હશે. જો કે લાયન્સની રાહ આસાન નથી. બે વખતની ચેમ્પિયન કેકેઆરને તેના હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન પર પરાજિત કરવી આકરી કસોટી બની રહેશે. પાંચ મેચમાંથી ચાર હાર બાદ ગુજરાત લાયન્સની ટીમ પોઇન્ટ ટેબલ પર તળિયે છે. અહીં વધુ એક હારથી તે લગભગ પ્લે ઓફની હરિફાઇમાંથી બહાર થઇ જશે.

આઇપીએલ-10ના તા. 7 એપ્રિલે રાજકોટમાં રમાયેલા મેચમાં કોલકતાએ લાયન્સને 10 વિકેટે સજ્જડ હાર આપી હતી. આ મેચમાં કેકેઆરના ઓપનર ક્રિસ લેન અને સુકાની ગૌતમ ગંભીરે આક્રમક અર્ધસદી ફટકારીને લાયન્સના બોલરોની ધોલાઇ કરી હતી. આ મેચથી લાયન્સની બોલિંગ લથડી છે. જે હજુ લયમાં આવી નથી. વચ્ચે એક મેચમાં પૂણે સામે જીત નસીબ થઇ હતી, પણ હૈદરાબાદ, મુંબઇ અને બેંગ્લોર સામેની હારથી લાયન્સ તળિયા પર આવી ગયું છે. ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાપસી થઇ ચૂકી છે, પણ તે હજુ સુધી મેચ વિનીંગ પરફોર્મન્સ આપી ચૂકયો નથી. પાછલા મેચમાં જાડેજાએ આરસીબી સામે 4 ઓવરમાં 57 રનનો ખર્ચ કર્યોં હતો. જે લાયન્સને ભારે પડયો હતો.

લાયન્સની ટીમમાં ફરી બોલિંગમાં ફેરફાર થઇ શકે છે. કેરેબિયન ઓપનર ડવેન સ્મિથના સ્થાને કાંગારૂ ઓલરાઉન્ડર જેમ્સ ફોકનરને સ્થાન મળી શકે છે. ટીમની જીતનો આધાર ફરી મેકયૂલમ, સુકાની રૈના, કાર્તિક અને ફિંચની બેટિંગ પર રહેશે. બીજી તરફ કોલકતાની ટીમ લાયન્સની નબળી બોલિંગનો ફાયદો લઇને વધુ એક જીતથી પ્લેઓફ તરફ આગેકૂચ કરવા મેદાને પડશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer