ડોરમન્ટ સ્ટેટસની અરજી નહીં કરનાર અઢી લાખ કંપનીઓ વિખેરી નખાશે

નવી દિલ્હી, તા. 20 : બે નાણાકીય વર્ષથી કોઈ બિઝનેસ ન કર્યો હોય અને ડોરમન્ટ સ્ટેટસ (નિક્રિય) માટે પણ અરજી કરી ન હોય તેવી લગભગ અઢી લાખ કંપનીઓને વિખેરી નાખવાની નોટિસ અપાઈ છે. રજિસ્ટ્રાર અૉફ કંપનીઝ (આરઓપી)એ બે સપ્તાહમાં ફટકારેલી આ જાહેર નોટિસમાં કંપની ઍક્ટ 2013 હેઠળ `ડોરમન્ટ કંપની' માટેની અરજી નહીં કરનાર અઢી લાખ કંપનીઓનો સમાવેશ થતો હતો.

આરઓસીની યાદીમાં મુંબઈની 71000, દિલ્હીની 53000, હૈદરાબાદની 40000 અને બેંગ્લોરની 22000 કંપનીનો સમાવેશ થાય છે અને નિયમ અનુસાર આ કંપનીઓના નામ રદ કરી કોઈ વાંધો નહીં ઉઠાવે તો એન્ટિટીને વિખેરી નાખવામાં આવશે. કંપની બાબતોના મંત્રાલયની વેબસાઈટ અનુસાર નોટિસ કંપનીઝ એમેન્ડમેન્ટ્સ રુલ્સ, 2016 હેઠળ ઇસ્યૂ કરવામાં આવી છે, જેને કંપની બાબતોના મંત્રાલયે નોટિફાય 26 ડિસેમ્બર, 2016ના રોજ કરી હતી. અમદાવાદ, કોલકાતા, પુણેની 11000-12000 કંપનીઓને નોટિસ આપવામાં આવી છે. તો ચેન્નઈની 4000, કાનપુરની 7000, જયપુરની 6000 અને ચંડીગઢની 4600 કંપની પણ આ યાદીમાં સામેલ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer