પસંદગીના શૅર્સમાં ખરીદીથી સેન્સેક્ષ-નિફટી સુધારે બંધ

મિડકેપ, સ્મોલકેપ શૅર્સમાં રોકાણકારોને રસ

વાણિજય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : શૅરબજાર આજે સાંકડી અને પ્રમાણમાં ધીમી વધઘટ પછી સુધરીને બંધ રહ્યું હતું. આગામી અઠવાડિયે એફએન્ડઓની એકસપાયરી ડેટ હોવાથી રોકાણકારો સાવધાનીપૂર્વક પોર્ટફોલિયોમાં ફેરફાર કરી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાય છે. નિષ્ણાતોએ નવા લેણ સામે વૈશ્વિક અનિશ્ચિતતા અને પરિણામોની અસરને ધ્યાને લઈને રિસ્ક મૅનેજમેન્ટ કરવા આગ્રહ રાખ્યો છે. આજે એશિયા અને યુરોપિયન બજારોની પુન: રિકવરીની સકારાત્મક અસર સ્થાનિક બજારમાં પડી હોવાથી ટ્રેડિંગ અંતે બૉમ્બે સ્ટોક એક્સ્ચેન્જ સેન્સેક્ષ 86 પૉઈન્ટ વધીને 29,422 બંધ રહ્યો હતો. માર્કેટ બ્રિધ સકારાત્મક રહી હોવા સાથે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.6 અને 1.1 ટકા વધ્યા હતા. બીએસઈ ખાતે કુલ 1820 શૅરના ભાવ વધવા સામે 1047 શેર ઘટયા હતા. જેના પગલે એનએસઈ ખાતે નિફટી-50 અગાઉના 4 સેશનના ઘટાડા પછી આજે 33 પૉઇન્ટ વધીને 9136ના સ્તરે બંધ રહ્યો હતો.

રેલિગેરના રિટેલ વિભાગના પ્રમુખ જયંત માંગલિકે જણાવ્યું હતું કે પાંચ દિવસના ઘટાડા પછી બજાર આજે સુધર્યું છે. રોકાણકારો વેલ્યુબાઈંગમાં પોઝિશન લઈ રહ્યા છે. ઉપરાંત નિફટી 9100 ઉપર રહેવાથી ઉત્સાહ વધ્યો હોવાનું જણાય છે. જોકે, મહત્ત્વપૂર્ણ ટ્રીગરના અભાવે બજારમાં સુધારો ધીમો છે. જેથી નાની કિંમતના શૅરમાં આકર્ષણ જણાય છે. જોકે, વોલિટિલિટી ધ્યાને લઈને સાવચેતી જરૂરી છે.

એનએસઈ ખાતે આજે પુન: નિફટી રીયલ્ટી ઈન્ડેક્સ 2.1 ટકા સુધી વધ્યો હતો, જેમાં મુખ્યત્વે સોભા, ઓબેરોય રીયલ્ટી અને ગોદરેજ પ્રોપર્ટીમાં 8 ટકા સુધી સુધારો થયો હતો. નિફટી મીડિયા ઈન્ડેક્સ 2 ટકા વધ્યો હતો, જેમાં વધવામાં સન ટીવી 6.70 ટકા, ઈરોસ મીડિયા 6.4 ટકા, નેટવર્ક 18 3.2 ટકા મુખ્ય હતા. પીએસયુ ઈન્ડેકસ પણ 0.9 ટકા સુધરવામાં મુખ્ય આંધ્ર બૅન્ક, યુનિયન બૅન્ક, બીઓબી અને કૅનેરા બૅન્ક અંદાજે 3 ટકા સુધી વધ્યા હતા. દેશના ઍરટ્રાફિકમાં માર્ચ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે નોંધપાત્ર રીતે 18 ટકા વધારો થયો છે. જેથી ઉડ્ડયન ક્ષેત્રના પ્રમુખ શૅરોમાં બીએસઈ ખાતે ઈન્ટરગ્લોબ 7 ટકા, જેટ ઍરવેઝ 6 ટકા અને સ્પાઈસ જેટમાં 10 ટકા ભાવ વધ્યો હતો. એનએસઈ ખાતે નવા 16 શૅર 28 એપ્રિલથી એફએનઓ સેગમેન્ટમાં સામેલ કરાશે. આ જાહેરાત પછી જીએસએફસી, ગોડફ્રે, ફિલિપ્સ, વી ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ, મેંગલોર રિફાઈનરી, એફએનઓમાં સમાવવાના અહેવાલ પછી 3થી 7 ટકા ઉછળી ગયા હતા. જ્યારે એનએસઈ ખાતે બલરામપુર ચીની, એનબીસીસી (ઈન્ડિયા), એમસીએકસ અને મહાનગર ગૅસ પણ 5 ટકા વધ્યા હતા.

આજે યસ બૅન્ક નોંધપાત્ર રીતે ઈન્ટ્રા-ડે 5.3 ટકા ઘટયો હતો. બૅન્કે બેડલોન સામેની જોગવાઈ વધારીને 66 ટકા સુધી કરવાથી શૅર ઈન્ટ્રાડેમાં 5.3 ટકા ઘટયો હતો. જેની અસરથી આઈસીઆઈસીઆઈ બૅન્ક અને એક્સિસ બૅન્ક 2 ટકા સુધી ઘટયા હતા. વૈશ્વિક શૅરબજારમાં ફ્રાન્સની ચૂંટણીની સામે આજે થોડીક સાવધાની જોવાઈ હતી. રોકાણકારો જોખમી લેણથી દૂર રહેતા હોવાથી બજારમાં સુધાર ધીમો હતો. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઝડપથી ઘટયા હોવાથી પુરવઠો સુધરવાના અહેવાલથી કેટલાક શૅર સુધર્યા હતા. આમ છતાં ઉત્તર કોરિયાના તણાવના પગલે બજારોમાં સમગ્ર રીતે સાવધતા હતી. યુરોપ ખાતે સ્ટોકસ 600 0.2 ટકા સુધર્યો હતો. યુનીલીવરના કન્ઝયુમર ક્ષેત્રનું વેચાણ વધુ મજબૂત બનવાનો અહેવાલ હતો. એફટીએસ 100 અત્યાર સુધીના લાંબા નકારાત્મક વલણ પછી આજે થોડો સકારાત્મક બંધ હતો. એશિયન બજારમાં જપાન ખાતે શૅર થોડા ઘટાડા પછી પુન: સુધરતા બજાર સ્થિર રહ્યું હતું. દરમિયાન એમએસસીઆઈ વર્લ્ડ સ્ટોકસ ઈન્ડેક્સ પણ 0.13 ટકા સુધર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer