તાતા ગ્રુપની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી તાજ માનસિંહ હોટેલનું લિલામ થશે
તાતા ગ્રુપની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી તાજ માનસિંહ હોટેલનું લિલામ થશે નવી દિલ્હી, તા. 20 (પીટીઆઇ): તાજ માનસિંહ હોટેલનું લિલામ થંભાવવાની તાતા ગ્રુપની અરજી ફગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે ગુરુવારે તાજ માનસિંહ હોટેલનું ઈ-લિલામ કરવા નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલને પરવાનગી આપી હતી. હાલમાં તાજ માનસિંહ હોટેલનો વહીવટ ઈન્ડિયન હોટેલ્સ કંપની સંભાળે છે.

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ જણાવ્યું હતું કે તાતા ગ્રુપ ઈ-લિલામમાં અસફળ રહે તો છ મહિનાના ગાળામાં તાતા ગ્રુપે હોટેલની જગ્યા ખાલી કરવાની રહેશે. આ પહેલા ત્રીજી માર્ચે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (એનડીએમસી)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાજધાનીના હાર્દસમા વિસ્તારમાં આવેલી આ પંચતારાંકિત હોટેલનું પોતે લિલામ કરવા ઈચ્છે છે.

તાજ માનસિંહ હોટેલનો વહીવટ કરનાર ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (આઈએચસીએલ) દિલ્હી હાઈ કોર્ટના આદેશ વિરુદ્ધ 2016ના 8 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. આથી આ ઐતિહાસિક મિલકતના લિલામનો માર્ગ મોકળો થયો હતો.

આ મિલકતના લિલામ માટે એનડીએમસીના પગલાંને પડકારી આઈએચસીએમની અરજીને કાઢી નાખતો ચુકાદો દિલ્હી હાઈ કોર્ટે 27 અૉક્ટોબરે આપ્યો હતો. આઈએચસીએલે આ ચુકાદાને પડકાર્યો હતો.

આ પહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તાજ માનસિંહ હોટેલનું લિલામ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. એનડીએમસીની ખાસ બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.

તાજ માનસિંહ હોટેલના મૅનેજમેન્ટ અધિકારો જાળવી રાખવાની તાતા ગ્રુપની અગાઉની અપીલને દિલ્હી હાઈ કોર્ટે કાઢી નાખી હતી અને જણાવ્યું હતું કે લિલામની પ્રક્રિયામાં તમે સહભાગી થઈ શકશો.