પરવાનગી કરતાં વૃક્ષની વધુ ડાળી કાપવા બદલ ઋષિ કપૂરને પાલિકાની કારણદર્શક નોટિસ
પરવાનગી કરતાં વૃક્ષની વધુ ડાળી કાપવા બદલ ઋષિ કપૂરને પાલિકાની કારણદર્શક નોટિસ મુંબઈ, તા. 20(પી.ટી.આઇ.) : બાંદરામાં પાલી હિલસ્થિત કૃષ્ણરાજ બંગલામાં પરવાનગી કરતાં પીપળાના ઝાડની વધુ ડાળી કાપવા બદલ  મુંબઇ મહાપાલિકાએ પીઢ અભિનેતા ઋષિ કપૂરને કારણદર્શક નોટિસ આપી છે. 

પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે પ્લોટ ઉપર બાંધકામ કરવામાં અવરોધરૂપ  પીપળાના ઝાડની છ  ડાળીઓને કાપવા માટે  ઋષિ કપૂરે પરવાનગી માંગી હતી. ગત સપ્તાહમા તેંને તે પરવાનગી મળી હતી. જોકે બાદમાં માલૂમ પડયું હતું કે વૃક્ષની ડાળીઓને કાપીને માત્ર થડને જ શેષ રાખવામાં આવ્યુ છે. તેથી ઋષિ કપૂરને ગઇકાલે કારણદર્શક નોટિસો આપવામાં આવી છે.  તેમની વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી તેનો ખુલાસો કરવા માટે  ઋષિ કપૂરને 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે એમ અધિકારીએ ઉમેર્યુ હતું.

આ અંગે પ્રતિક્રિયા આપતા કપૂરે જણાવ્યું હતું કે પ્લોટ ઉપર બાંધકામ ઉપર દેખરેખ રાખતા કોન્ટ્રાક્ટર સાથે આ અંગે વાત કરશે. વૃક્ષને ઉખાડી  નાંખવામાં આવ્યુ નથી. કોન્ટાક્ટરે કોઇ ભૂલ કરી છે કે કેમ તેની હું તપાસ કરીશ એમ કપૂરે ઉમેર્યુ હતું.

હવે પછી  મુંબઇ મહાપાલિકા મહારાષ્ટ્ર (અર્બન એરિયાસ) પ્રોટેકશન એન્ડ પ્રીઝર્વેશન ઓફ ટીઝ એક્ટ અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજરની કલમ 155ની જોગવાઇ અનુસાર પોલીસમાં ફરિયાદ નોધાવશે.