મુંબઈમાં 235માંથી 223 પેટ્રોલપંપ મે મહિનાથી સાપ્તાહિક રજા પાળશે
મુંબઈ, તા. 20 : આવતી 14મી મેથી મુંબઈમાંના 235માંથી 223 પેટ્રોલ પંપે રવિવારે સાપ્તાહિક રજા પાળવાનો નિર્ણય લીધો છે. જે પેટ્રોલપંપ આવતા મહિનાથી રવિવારે સાપ્તાહિક રજા પાળવાના નથી તેમાં મલબાર હિલ, ચર્ચગેટ, બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ, મરીન લાઈન્સ, બાંદરામાં લીન્કીંગ રોડ જંક્શન અને કેમ્પસ કૉર્નરસ્થિત પેટ્રોલપંપનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ `મનકી બાત' કાર્યક્રમમાં તાજેતરમાં દેશવાસીઓને સપ્તાહમાં એકવાર ઈંધણ નહીં વાપરીને કુદરતી સ્રોતોની બચત કરવાનો અનુરોધ કર્યો હતો. તે અંગે કેન્દ્રના પેટ્રોલિયમ પેદાશો અંગેના મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે વડા પ્રધાને લોકોને સપ્તાહમાં માત્ર એક દિવસ ઈંધણ નહીં વાપરવાનો અનુરોધ કર્યો છે. તેમણે પેટ્રોલપંપ માલિકોને સપ્તાહમાં એક દિવસ રજા પાળવાનો અનુરોધ કર્યો નથી.