આવતા સપ્તાહે પ્રધાનમંડળનું વિસ્તરણ આશિષ શેલાર અને વિજયકુમાર ગાવિતના સમાવેશની ચર્ચા
આવતા સપ્તાહે પ્રધાનમંડળનું વિસ્તરણ આશિષ શેલાર અને વિજયકુમાર ગાવિતના સમાવેશની ચર્ચા અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આવતા સપ્તાહે પ્રધાનમંડળનું વિસ્તરણ કરવાના છે. તેમાં ભાજપના મુંબઈ એકમના વડા આશિષ શેલાર અને ધૂળે જિલ્લાના આદિવાસી અગ્રણી વિજયકુમાર ગાવિતને પ્રધાનમંડળમાં સ્થાન મળશે, એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઈ છે.

ગાવિત અગાઉની સરકારમાં આદિવાસી કલ્યાણ ખાતાના પ્રધાન હતા, તેમણે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સામગ્રી ખરીદવામાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ તે સમયે ભાજપના નેતાઓએ કર્યો હતો. જોકે, આરોપીને ચૂંટણીમાં ટિકિટ આપીને `પવિત્ર' કરવાની પ્રવૃત્તિ પ્રધાનમંડળના વિસ્તરણમાં પણ યથાવત્ રહે એવી વકી છે.

મે, 2014માં લોકસભાની ચૂંટણી સમયે ગાવિત ભાજપમાં જોડાયા હતા. 

તેમની પુત્રી ડૉ. હીના ગાવિત ભાજપની ટિકિટ ઉપર લોકસભામાં ચૂંટાયાં હતાં. ગાવિત પણ અૉક્ટોબર, 2014માં લોકસભામાં ચૂંટાયા હતા. ભાજપના નેતાઓએ અગાઉની કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીની સરકારોના પ્રધાનો વિજયકુમાર ગાવિત અને બબનરાવ પાચપૂતે વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. તેઓ બન્ને બાદમાં ભાજપમાં જોડાયા હતા.