ઝાકીર નાઈક વિરુદ્ધ બિન-જામીનપાત્ર વૉરંટ
મુંબઈ, તા. 20 (પીટીઆઇ) : વિશેષ NIA કોર્ટે આજે વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકીર નાઈક વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. એક આતંકવાદી કેસમાં તેની કથિત ભૂમિકા બદલ NIA ભાગેડુ નાઈકની શોધમાં હોઈ તેણે ગયા વર્ષે નાઈક સામે ગેરકાયદે પ્રવૃત્તિ (અટકાયત) ધારા હેઠળ કેસ નોંધ્યો હતો.

NIA એ કોર્ટને જણાવ્યું હતું કે નાઈકને ત્રણ વખત સમન્સ જારી કરાયા બાદ પણ તે હાજર થયો નથી અને તેને ભારત પાછા લાવવા માટે ઈન્ટરપોલની મદદ લેવાની જરૂર પડશે. વિશેષ જજ વી. વી. પાટીલે જણાવ્યું હતું કે `નાઈક વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કરો.' ગયા અઠવાડિયે શહેરની એક અન્ય કોર્ટે પણ નાઈક સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ (ED)એ નોંધેલા એક મની લોન્ડરિંગ કેસમાં નાઈક સામે આવું જ વૉરંટ જારી કર્યું હતું. ઈડીના વકીલે જણાવ્યું હતું કે નાઈક યુએઈમાં હોવાનું મનાય છે.