પનામા ગેટમાં `હાલ'' નવાઝ શરીફને થોડી રાહત

પીએમપદેથી હટાવવા જરૂરી પૂરતા પુરાવા નથી: પાક સુપ્રીમનો ચુકાદો

ઈસ્લામાબાદ, તા. 20:  પનામા પેપર્સના કાંડમાં નાણાં કાળા- ધોળા કરવાના કથિત કારનામાના કેસમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ આબાદપણે તેમનું પદ `બચાવી લઈ શકયા' છે: પનામાગેટ કેસમાં પાક સુપ્રીમ કોર્ટે આજે આપેલા ચૂકાદામાં નવાઝને તેમના પદેથી દૂર કરવા જરૂરી બને તેટલા `પૂરતા પુરાવા ન હોવાનું' જાહેર કરવા સાથે જો કે તેમના કુટુંબ સામેના લાંચના આક્ષેપોની તપાસાર્થે સંયુકત તપાસ સમિતિ (જેઆઈટી) રચવાનો આદેશ પાંચ જજની બેન્ચે આપ્યો છે. નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યુરો, ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સિકયોરિટી એન્ડ એક્ષ. કમિશન ઓફ પાક, આઈએઁસઆઈ અને મિલિટરી ઈન્ટેલિજન્સના અફસરોની બનેલી જેઆઈટી સમક્ષ નવાઝ અને તેમના પુત્રો-હસન અને હુસૈન-ને હાજર થવા ફરમાવતી બેન્ચે બે માસમાં તપાસ પૂર્ણ કરવા સમિતિને તાકીદ કરી છે. ટેક્ષ હેવન્સ દેશોમાંની `વિદેશી કંપનીઓ' ઉભી કરવામાં માહેર પનામાની કાનૂન પેઢી મોસાક ફોન્સેકામાંથી, 1.1પ કરોડ ડિજિટલ રેકર્ડનો ખજાનો ખૂલતાં નવાઝની કથિત ગોબાચારી  બહાર આવી હતી: પનામા પેપર્સ મુજબ નવાઝના 4 પૈકી 3 સંતાનો-મરીઅમ, હસન અને હુસૈન-પેલી વિદેશી કંપનીઓમાં માલિકો હોઈ તેમાંની અમુક કંપનીના વ્યવહારો કરવા અધિકાર ધરાવતા હતા. શરીફ અને તેમના કુટુંબે આક્ષેપો નકાર્યા હતા. જુન '16માં પનામા પેપર્સના ઘટસ્ફોટ સાથે પાક વિપક્ષો નવાઝ વિરુદ્ધનો મોરચો તીવ્ર બનાવવા એકઝુટ થવા લાગ્યા હતા.પાકિસ્તાન તહેરિકે -ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા ઈમરાન ખાન સહિતના અરજદારોએ કેસ નોંધાવ્યા હતા.ગઈ તા. પાંચ એપ્રિલે રાષ્ટ્રજોગ સંબોધનમાં નવાઝે કરેલા કથિત ગેરનિવેદન બદલ અને '16ની '16 મેએ સંસદ સમક્ષના સંબોધન બદલ પદેથી  ગેરલાયક ઠરાવવા માગણી કરી હતી. લંડનના વૈભવી વિસ્તારમાં 4 એપાર્ટમેન્ટ્સ ખરીદી શકતી વિદેશી કંપનીઓમાંના પોતાના સંતાનોના રોકાણો વિશે વડા પ્રધાન જૂઠું બોલતા હોવાના અરજદારોના દાવા અનુસંધાને કોર્ટે જણાવ્યુ હતું કે નાણાં કઈ રીતે કતારમાં તબદિલ થયા તેની તપાસ થવી મહત્વનું છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer