માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારત બ્રિટનના આર્બિટ્રેટરને નિમશે

નવી દિલ્હી, તા. 20 : બેન્કોની લોન ભરપાઈ કર્યા વિના બ્રિટન નાસી છુટનારા વિજય માલ્યાને ભારત પરત લઈ આવવા માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. જો કે આ મહેતનું ફળ મળી રહ્યું નથી ત્યારે હવે ઈડી માલ્યાના પ્રત્યાર્પણ માટે બ્રિટનના જ આર્બિટ્રેટર (લવાદ)ની મદદ લેવાનું વિચારી રહી છે. અગાઉના પ્રત્યાર્પણના કેસમાં લાંબો સમય વિત્યો હોવાથી ભારત સરકારે આ કેસોના અનુભવ બાદ માલ્યાને પરત લાવવા માટે લવાદની નિયુક્તી કરવાની વિચારણા કરી છે. 

થોડા દિવસ અગાઉ માલ્યાની લંડનમાંથી ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ગણતરીના કલાકોમાં તેને જામીન પણ મળી ગયા હતા. આ બાબતે હવે બ્રિટનની કોર્ટ વધુ નિર્ણય કરશે. ઈડીના કહેવા પ્રમાણે માલ્યા કેસને વેસ્ટમિસ્ટર કોર્ટમાં યોગ્ય રીતે રજૂ કરી શકે તેવા આર્બિટ્રેટરને નિમવામાં આવશે જેથી પ્રત્યાર્પણની કાર્યવાહી ઝડપી બને. અમુક અધિકારીઓના કહેવા પ્રમાણે માલ્યાના પ્રત્યાર્પણની તકો 30 ટકા જેટલી જ છે. આ ઉપરાંત માલ્યા મોટા લોન ડિફોલ્ટરોમાંથી એક ન હોવાના કારણે રાહત પણ મેળવી શકે છે. કારણ કે બ્રિટનના કાયદા મુજબ લોન ડિફોલ્ટર પ્રત્યાર્પણ થઈ શકે તેવા મોટા ગુનેગાર ગણવામાં આવતા નથી. ભુતકાળના કેસમાં પુરાવાના અભાવ અને યોગ્ય આયોજનના અભાવે પ્રત્યાર્પણની અપીલને સફળતા મળી નહોતી ત્યારે માલ્યાના કેસમાં પણ ભુતકાળનું પુનરાવર્તન ન થાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer