કૉન્ટ્રેક્ટર કંપની દ્વારા ટાર્ગેટ કરતાં 350 કરોડ વધુ ટૉલ વસૂલી!

કૉન્ટ્રેક્ટર કંપની દ્વારા ટાર્ગેટ કરતાં 350 કરોડ વધુ ટૉલ વસૂલી!
એક્સ્પ્રેસ-વેનો ટૉલ બંધ કરવા હાઈ કોર્ટમાં PIL

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર કોન્ટ્રેક્ટર કંપની મ્હૈસકર ઈન્ફ્રા.ને 2869 કરોડ રૂપિયા ટૉલવસૂલીનું લક્ષ્યાંક અપાયું હતું, જે તેણે નવેમ્બર 2016માં જ પ્રાપ્ત કર્યું હોવા છતાં હજી પણ તેના દ્વારા ટૉલવસૂલી ચાલુ જ છે. આથી વાહનધારકો પાસેથી તેણે રૂા. 350 કરોડની વધુ વસૂલી કરી હોવાથી આ કંપનીને આપેલો ટૉલવસૂલી અધિકાર રદ કરવાનો રાજ્ય સરકારે આદેશ આપવો જોઈએ એવી વિનંતી કરતી જનહિત અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી છે.

આ અરજી આરટીઆઈ કાર્યકર પ્રવીણ વાટેગાવકર શ્રીનિવાસ ઘાણેકર, વિવેક વેલણકર અને સંજય શિરોડકરે નોંધાવી હોઈ વાટેગાવકરે આ અંગેની માહિતી ગઈકાલે ચીફ જસ્ટિસ મંજુલા ચેલ્લુરની બનેલી બેન્ચને આપ્યા બાદ બેન્ચે આવતા મંગળવારે તેની સુનાવણી મુકરર કરી હતી.

અરજદારોએ આ અરજીમાં મુખ્ય પ્રધાન, જાહેર બાંધકામ પ્રધાન, મુખ્ય સચિવ, એમએસઆરડીસીના ઉપાધ્યક્ષ અને મ્હૈસકર ઈન્ફ્રા. કંપનીને પ્રતિવાદી બનાવ્યા હતા. 

ભાજપે ચૂંટણીમાં ટૉલમાફીની ઘોષણા કરી હતી. તે પછી રાજ્ય સરકારે 12 ટોલનાકા બંધ કર્યા હતા જ્યારે 53 ટૉલનાકા પર હળવાં વાહનો અને એસટી બસોને ટૉલમાફી અપાઈ હતી.

જોકે, મુંબઈ-પુણે એક્સપ્રેસવેની ટૉલવસૂલીનું લક્ષ્યાંક પુરું થઈ જવા છતાં છેલ્લા 12 મહિનાથી તેની ટૉલમાફી કરવાનું સરકારના વિચારાધીન જ છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer