સુરત પોલીસે બૉમ્બ પ્લાન્ટના મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલના 27મી સુધી રિમાન્ડ મેળવ્યા

સુરત પોલીસે બૉમ્બ પ્લાન્ટના મુખ્ય સૂત્રધાર  યાસીન ભટકલના 27મી સુધી રિમાન્ડ મેળવ્યા
વર્ષ 2008માં યાસીન ભટકલે વરાછા  વિસ્તારમાં 13 જગ્યાએ બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા

ખ્યાતિ જોશી તરફથી

સુરત, તા. 20 : વર્ષ 2008માં સુરતમાં બૉમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય સુત્રધાર યાસીન ભટકલને બુધવારે મોડી રાત્રિનાં સુરત લઈ આવવામાં આવ્યો હતો. આજે તેને કોર્ટમાં રજૂ કરીને 27મી સુધીનાં રિમાન્ડ પોલીસે મેળવ્યા છે. 

27મી જુલાઈ 2008માં સુરત શહેરનાં વિવિધ વિસ્તારમાં કુલ 29 બૉમ્બ મળ્યા હતાં. શહેરભરમાં બૉમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય સુત્રધાર યાસીન ભટકલનો કબ્જો અમદાવાદ પોલીસ પાસે હતો. ગઈકાલે મોડીરાત્રિનાં અમદાવાદ પોલીસ પાસેથી કબ્જો મેળવીને યાસીન ભટકલને સુરત લાવવામાં આવ્યો હતો. આજરોજ ઉમરા પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. 

ઉમરા પોલીસે 27મી સુધીનાં રિમાન્ડ મેળવ્યા છે. 

બૉમ્બ પ્લાન્ટ કરતી વેળાએ યાસીન ભટકલ એક સપ્તાહ સુધી સુરતમાં જ રોકાયો હતો. વરાછાનાં ઝવેરચંદ મેઘાણી બાગમાં વોચમેન સાથે થયેલાં ઝઘડાં વખતે યાસીન ભટકલ ત્યાં ઉપસ્થિત હતો. કોર્ટ સમક્ષ યાસીનનાં વધુમાં રિમાન્ડ માગવા માટે પોલીસે ધારદાર રજૂઆત કરી હતી. જેમાં વોચમેન સામે ઓળખ પરેડ કરાવવાની તેમ જ ધાસ્તીપુરામાં જ્યાં તન્વીરનાં ઘરે રોકાયો હતો ત્યાં પણ તેને લઈ જવાનો રહેશે. કોટે પોલીસની દલીલને માન્ય રાખીને જજે આઠ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer