આધુનિકતા વરદાન કે શાપ? વૃક્ષો કપાતાં પક્ષીઓના માળા ઊઝડયા ગરમીને કારણે પક્ષીઓ બેહાલ

ત્રણ મહિનામાં એક હજારથી વધુ પક્ષી હૉસ્પિટલમાં દાખલ કરાયાં

મુંબઈ, તા. 20 : ધોમધખતા તડકાને લીધે માણસથી લઈ પશુ-પક્ષી બધા જ બેહાલ છે. તાપમાનમાં વધારો અને લૂ લાગવાથી ફેબ્રુઆરીથી 16 એપ્રિલ સુધી હજારો પક્ષીઓને પરેલસ્થિત વેટેરનરી હૉસ્પિટલમાં લવાયા હતા.  હૉસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. જે.સી ખન્નાએ કહ્યું હતું કે આ વર્ષે ગરમી એક મહિનો અગાઉ શરૂ થઇ હોવાથી ફેબ્રુઆરીથી આજ સુધી ગરમીનો શિકાર બનેલા પક્ષીઓની સંખ્યા વધી છે. પક્ષીઓ તડકાથી બચવા ઘણી વખત કલાકો સુધી આમ તેમ ઉડે છે પરિણામે તેમના શરીરમાં પાણી ઓછું થાય છે અને સમય પર પાણી ન મળવાથી બેહોશ થઇ અગાશી કે રસ્તા પર પડે છે. અત્યાર સુધી 1,100 પક્ષીઓને હૉસ્પિટલમાં લાવવવામાં આવ્યા છે જેમાં કબૂતર, દરિયાઈ પક્ષી, ઘુવડ, સમડી અને કોયલનો સમાવેશ છે. સૌથી વધુ સંખ્યા કબૂતરોની છે. જાન્યુઆરીમાં 150,  માર્ચમાં 172 એમ જાન્યુઆરીથી એપ્રિલ સુધી 542 કબૂતરોને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આટલા ઓછા સમયમાં વધારે પક્ષીઓ ગરમીનો ભોગ બનવાનું અન્ય કારણ ડૉ. ખન્નાએ જણાવ્યું હતું કે ઝડપથી ઉઝડતા પક્ષીઓના માળા છે. મુંબઈમાં ગત કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં વૃક્ષો કપાયા છે જેને કારણે કેવળ તાપમાન જ નથી વધ્યું પણ પક્ષીઓના ઘર છિનવાઇ ગયા છે. દાણા-પાણીની શોધમાં પક્ષીઓ આમ તેમ ઉડતા હોય છે. વૃક્ષો કપાઇ ગયા હોવાથી તડકામાં વધારે ઉડવું પડે છે. કેટલીક વાર તડકામાં જ બેસવું પડે છે પરિણામે તેઓ ગરમીનો ભોગ બને છે. પક્ષીઓની જરૂરતોને ધ્યાનમાં રાખી વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ તેમ જ ઘરની આસપાસ તેમના માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવી જોઇએ.

પક્ષી              જાન્યુ.           ફેબ્રુ              માર્ચ            એપ્રિલ

કબૂતર            150             168             172             52

દરિયાઇ પક્ષી   15               16               16               04

ઘુવડ              18               20               26              08

સમડી             54               66               82              18

કોયલ             15               17               20              04

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer