શહેરી વિસ્તારોમાં તમામને ઘર મળે તે માટે રાજ્યોનો સહકાર માગતા નાયડુ

શહેરી વિસ્તારોમાં તમામને ઘર મળે તે માટે રાજ્યોનો સહકાર માગતા નાયડુ
`તમામને આવાસ આપવા સરકાર પ્રતિબદ્ધ'

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 20 : કેન્દ્રના શહેરી વિકાસ ખાતાના પ્રધાન વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે, નેશનલ અર્બન રેન્ટલ હાઉસિંગ પૉલિસી (રાષ્ટ્રીય શહેરી ભાડાં આવાસ નીતિ) ઘડી કાઢવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેને કેન્દ્રીય કૅબિનેટની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતાં નાયડુએ જણાવ્યું હતું કે, દેશના તમામ નાગરિકોને મૂળભૂત ઈચ્છા પાકું ઘર મેળવવાની હોય છે અને સરકાર આ સપનાને પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.

શહેરી વિસ્તારોમાં તમામને ઘર પૂરાં પાડવાનું કાર્ય પડકારજનક છે અને આ સંબંધમાં રાજ્યોએ કેન્દ્રને સહકાર આપવો જોઈએ. સરકારે 2008 શહેરો અને નગરોમાં પરવડી શકે એવાં 17.73 લાખ ઘર બાંધવા નાણાકીય સહાયને મંજૂરી આપી દીધી છે, એમ નાયડુએ વધુમાં જણાવ્યું હતું. નાયડુએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વાંગી વિકાસની સરકારની પ્રતિબદ્ધતાની કસોટી છે. ઝડપથી ઘર પૂરાં પાડવા માટે સરકારે ઈકોસિસ્ટમને કામે લગાડી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધ રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટ) ઍકટ 2016 (રેરા)ના અમલથી પ્રત્યેક રેગ્યુલેટરને જવાબદાર બનશે. નાયડુ `તમામ માટે આવાસ યોજના' સંબંધમાં સરકારની પ્રગતિ વિશે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, `રેરા' ગ્રાહકતરફી અને ઉદ્યોગતરફી પહેલ છે જે  પહેલી મેથી અમલી બને એવી ધારણા છે અને તેને રિયલ એસ્ટેટ ક્ષેત્રને પુનર્જીવિત કરવાના એક પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. હાલ આ ક્ષેત્ર થોડા સમયથી મંદીનો સામનો કરી રહ્યં છે.

તેમણે જણાવ્યું હતું કે `તમામ માટે આવાસ' યોજનાનો લાભ આર્થિક રીતે પછાત વર્ગો કે જેમની વાર્ષિક આવક 3 લાખ સુધીની છે તેમને મળશે. તેમ જ રૂપિયા 3 લાખથી 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લો ઈન્કમ ગ્રુપ (એલઆઈજી) અને 6 લાખથી 12 લાખ સુધીની આવક ધરાવતા મિડલ ઈન્કમ ગ્રુપના લોકોને પણ લાભ થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer