મુમ્બ્રામાં પકડાયેલો આતંકવાદી મહારાષ્ટ્ર ટેરર મોડયુલનો હેડ

પાંચ રાજ્યોમાં યુપી એટીએસે ઝડપી લીધા દસ ટેરરિસ્ટ : દેશમાં મોટા હુમલાનું ઘડાઈ રહ્યું હતું કાવતરું

મુંબઈ, જલંધર, નરકટિયાગંજ અને બિજનોરથી ચારની ધરપકડ : છ શકમંદોની પૂછપરછ

મુંબઈ/નવી દિલ્હી, તા. 20 : ભારતમાં ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આતંકવાદીઓ મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા પણ  ઉત્તર પ્રદેશની એટીએસે પાંચ અલગ-અલગ રાજ્યોની પોલીસ સાથે મળીને ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લીધા હતા જ્યારે અન્ય 6 શંકાસ્પદોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. 

ઉત્તર પ્રદેશ એટીએસે મહારાષ્ટ્રમાં મુમ્બ્રા, પંજાબમાં જલંધર,  બિહારમાં નરકટિયાગંજ, આંધ્ર પ્રદેશ  તેમજ ઉત્તર પ્રદેશમાં બિજનોર અને મુઝફ્ફરનગરમાં એક સંયુક્ત ઓપરેશન કર્યું હતું. મુમ્બ્રામાંથી ત્રણ જણ ઝડપાયા છે જેમાં 26 વર્ષના નાઝીમ અહમદની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ગુલફામ અને ઊજેયા અબ્રારની અટક કરવામાં આવી છે.

સાધનોમાંથી મળતી માહિતી જણાવે છે કે નાઝીમ મહારાષ્ટ્રમાં આઈએસના ટેરર મોડયુલ ખુરાસાનનો હેડ હતો અને તેનું કામ આ આતંકવાદી સંગઠનમાં યુવાનોને રિક્રુટ કરવાનું હતું. પોલીસને મળેલી પાકી માહિતીના આધારે આજે મુમ્બ્રાના રશીદ કમ્પાઉન્ડમાં અક્રમ બિલ્ડિંગમાં ત્રીજા માળે ફ્લેટ નંબર 302માં પોલીસ ટીમ પહોંચી હતી અને ત્રણેયને ઝડપી લીધા હતા. આ ફ્લેટ ભાડેથી લેવામાં આવ્યો હતો. તેમાંથી ઘણા મોબાઈલ ફોન અને સીમ કાર્ડ મળી આળ્યા છે. ગુલફામ અને અબ્રાર પાંચમી એપ્રિલે મુંબઈ આવ્યા હતા.

ભારતમાં આઈએસનું ખુરાસાન મોડયુલ સક્રિય થયું હોવાના પુરાવા બાદ એવી પણ બાતમી મળી હતી કે આઈએસના અન્ય મોડયુલ પણ હરકતમાં આવ્યા છે. આતંકવાદીઓ મોટા હુમલાને પાર પાડવા માટે સક્રિય થયા છે અને નવા યુવાનોની ભરતી કરી રહ્યા છે એવી બાતમી મળતાં યુપી એટીએસે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ, સીઆઈ સેલ આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર એટીએસ, પંજાબ પોલીસ અને બિહાર પોલીસ સાથે સંપર્ક કર્યો હતો અને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. 

આ કાર્યવાહીમાં બિજનોરની બઢાપુર મસ્જિદમાંથી અકબરાબાદના મોહમ્મદ ફૈઝાન ઈમામની, જલંધરથી તુકમાપુરના મોહમ્મદ તનવીર મુઅજ્જમ અને બિહારના નરકટિયાગંજમાંથી એહતેશામ હકની ધરપકડ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના એટીએસ પ્રમુખ અસીમ અરૂણે કહ્યું હતું કે, પુરાવાના આધારે કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે, આ શંકાસ્પદોમાંથી ચાર શખસો સામે તેવું ઉમેરવામાં આવ્યું હતું પુરાવાઓ પણ છે. આ તમામ શખસો એવી રીતે કામમાં જોડાયા હતા કે કોઈપણ ગૃપ સાથે સંપર્ક રાખવામાં આવ્યો નહોતો. આ પ્રવૃત્તિને અપરાધિક ષડયંત્ર પણ કહી શકાય તેમ છે. 

જો કે ઉત્તર પ્રદેશના એડીજી દલજીત સિંહે કહ્યું હતું કે, આ શંકાસ્પદો આતંકવાદી સંગઠનોથી જોડાયેલા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer